જૂનાગઢના 5 થી 13 વર્ષના બાળકોએ એક સ્કેટિંગ યાત્રા યોજી વિશ્વ શાંતિ અને કલ્યાણ તેમજ રમત ગમત અંગે સમાજમાં જાગૃતિ ફેલાય તે માટે માત્ર 6 કલાકમાં 105 કિલોમીટરનું જુનાગઢથી સોમનાથ સુધીનું અંતર કાપી સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો હતો.

જૂનાગઢમાં ગઈ કાલે રવિવારે સવારે સાડા પાંચ વાગ્યે મધુરમ બાયપાસથી દેવાયત બોદરની પ્રતિમા પાસે શ્રીફળ વધેરી માત્ર 5 થી 13 વર્ષના બાળકોએ 6 વાગ્યે સ્કેટિંગ યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને બપોરે 2 વાગ્યે બાળકોની આ સ્કેટિંગ યાત્રા સોમનાથ મંદિર ખાતે પહોંચી હતી, અને પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવને જળાભિષેક કરી શાંતિ ફેલાય અને વિશ્વનું કલ્યાણ થાય તેવો સંકલ્પ સાથેની પ્રાર્થના કરી હતી.

IMG 20220606 WA0003

વિશ્વ શાંતિ કલ્યાણ અને રમતગમત અંગે જાગૃતિ ફેલાવવાના ઉંચા વિચારો સાથે જૂનાગઢના 5 થી 13 વર્ષના બાળકોની આ સ્કેટિંગ યાત્રા અંગે અખંડ ભારત સંઘના ભાવેશ ભાઈ વેકરીયા એ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમૃત મહોત્સવ અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢના બાળકો દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. અને 5 થી 13 વર્ષનાં બાળકો જુનાગઢથી સોમનાથ સુધીની સ્કેટિંગ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રાનું રસ્તામાં ઠેર ઠેર ભાવથી સ્વાગત કરાયું હતું, જ્યારે આ સ્કેટિંગ યાત્રા સોમનાથ મંદિરે પહોંચી ત્યારે બાળકોએ  વિશ્વની શાંતિ અને કલ્યાણનો સોમનાથ મહાદેવને અભિષેક કરી સંકલ્પ પહોંચાડ્યો હતો.

ભાવેશભાઈ વેકરીયાના વધુમાં જણાવ્યા અનુસાર બાળકોની આ સ્કેટિંગ યાત્રા માટે ગરમીના દિવસોમાં બાળકને કોઈપણ મુશ્કેલી ન સર્જાય તે માટે મેડિકલ કીટ તથા મેડીકલ ટીમ સાથે રખાય હતી. અને વિના વિઘ્ને બાળકોએ આ 105 કિલોમીટરની યાત્રા કરી હતી. સવારે 6 વાગ્યે શરૂ થયેલ આ યાત્રા બપોરના 2 વાગે સોમનાથ મંદિરે પહોંચી હતી. પરંતુ તે દરમિયાન બાળકોને આરામ મળી રહે તે માટે ટેસ્ટ પણ કરાવાયો હતો અને ઠેર ઠેર  સ્વાગત થતાં લગભગ 2 કલાક જેટલો સમય તેમાં પસાર થયો હતો. તેથી તે સમયની ગણતરી કરીએ તો, જૂનાગઢના 5 થી 13 વર્ષના 15 ભૂલકાઓ માત્ર 6 કલાકમાં સ્કેટિંગ કરી 105 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

જૂનાગઢના આ ભૂલકાંઓની રમત-ગમત તથા વિશ્વના કલ્યાણ અર્થે યોજાયેલ સ્કેટિંગ યાત્રા એ જૂનાગઢવાસીઓ સહિત સમગ્ર સોરઠ અને ગીર પંથકનાં લોકોનું દિલ જીતી લીધું હતું અને બાળકોની આ સ્કેટિંગ યાત્રાની ભારે સરાહના લોકો દ્વારા થવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.