કાયદાનાં સંપર્કમાં આવેલાં બાળકોનું સમાજમાં પુન: સ્થાપન માટે નોંધપાત્ર કામગીરી કરતી રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી

બાળક સમાજનું એક અભિન્ન અંગ અને ભવિષ્ય છે. બાળકના સર્વાંગી વિકાસ માટે સંરક્ષિત વાતાવરણ ખૂબ જ આવશ્યક છે. તેનાથી બાળકોના બૌદ્ધિક, સામાજિક, વ્યવહારિક, ભાવાત્મક અને શારીરિક વિકાસને મજબૂત આધાર મળે છે. આ બાળકો થકી જ સુરક્ષિત, તંદુરસ્ત અને શિક્ષિત સમાજનું નિર્માણ શકય છે. પરંતુ ઘણીવાર આસપાસનાં વાતાવરણ અને સંજોગોને કારણે બાળકો દિશાવિહીન, નિરાધાર અને કાયદાની આંટીધૂંટીમાં ફસાઈ જાય છે. આવા બાળકો નિરાશામાં ગરકાવ ન થઈ જાય અને સમાજના વહેતાં પ્રવાહમાં જોડાયેલાં રહે તે માટે જુવેનાઈલ જસ્ટિટ એક્ટ મુજબ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર અંતર્ગત અને રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન સાથે રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝ સંસ્થા મારફત નોંધપાત્ર કામગીરી કરી રહી છે.

વર્ષ 1985માં રાજકોટમાં સ્થપાયેલ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થામાં અનાથ, મળી આવેલ, 181 અભયમ પીડિતા, બાળલગ્ન, બાળ ભિક્ષુક, એક વાલી ધરાવતી, ગુનેગાર, ચાઈલ્ડ લાઈન, પોલીસ, ચિલ્ડ્રન કોર્ટ તથા નામદાર કોર્ટ દ્વારા કાયદાના સંપર્કમાં આવતી અને જેનું હિત જોખમાતું હોય તેવી 6 થી 18 વર્ષની બાળાઓને ટૂંકાગાળા અને લાંબાગાળા માટે આશ્રય આપવામાં આવે છે. આ સંસ્થાનો મૂળ હેતુ કિશોરીઓની સાર-સંભાળ, રક્ષણ અને શિક્ષણ થકી સર્વાંગી વિકાસ સાધવાનો છે.

રાજકોટ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થાના અધિક્ષક પૂજાબેન શિયાલે દિકરીઓ માટે કરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃત ચિતાર આપતાં જણાવ્યું હતું કે, અહીં કાયદાના સંપર્કમાં આવેલી કિશોરીઓને પારિવારીક હુંફ અને પ્રેમ આપીને તેમની દેખભાળ કરવામાં આવે છે. હાલ આ સંસ્થામાં 50 બાળાઓ આશ્રય લઈ રહી છે. તેમની પ્રાથમિક જરૂરિયાતોથી લઈને આરોગ્ય, શિક્ષણ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તેઓને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ખાસ તાલીમબધ્ધ શિક્ષકો વોકેશનલ ટ્રેનિંગ સાથે અભ્યાસને લગતી વિવિધ પ્રવૃતિઓ કરાવામાં આવે છે. તેમજ પૂરી તકેદારી સાથે સંસ્થાના જ વાહનમાં બાળાઓને શાળામાં અભ્યાસ માટે જવા-આવવા પરિવહનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

દેખરેખ નિરીક્ષણ માટે અધિઆરીઓ દ્વારા નિયમિત લેવાતી મુલાકાત

IMG 20220831 131403

બાળાઓની યોગ્ય દેખરેખનું નિરિક્ષણ કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ દ્વારા સમયાંતરે સંસ્થાની મુલાકાત લેવામાં આવે છે. તેમજ તેમની સાથે આત્મીયતા કેળવીને તેમને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવે છે.

દર ત્રણ મહિને પોક્સો જજ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, શિક્ષણાધિકારી, આરોગ્ય અધિકારી અને પ્રાંત અધિકારીઓ સંસ્થાની કામગીરીનું નિરીક્ષણ અને સમીક્ષા કરતાં રહે છે. આમ સરકાર અને ન્યાય પ્રણાલી નિરાધાર બાળકોનો આધાર બનીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરી રહી છે.

બાળાઓને મનોરંજન સાથે લેવાતી કાળજી

IMG 20220831 WA0013

સંસ્થાના સ્ટાફ દ્વારા પરીવારથી દુર રહેલ આ બાળાઓના મનોરંજનનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે. તેમને ટેલિવિઝન, ઈન્ડોર-આઉટડોર ગેમ્સ, સમર કેમ્પ, સંગીત, પ્રવાસ અને ફિલ્મ દેખાડવામાં આવે છે. આ સાથે દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. કિશોરીઓના આરોગ્યને મહત્વ આપીને વિઝીટીંગ મેડીકલ ઓફિસર દ્વારા અઠવાડિયામાં ત્રણ વખત મેડીકલ ચેકઅપ કરવામાં આવે છે તથા જરૂર જણાયે મેડીકલ ઓફીસરના અભિપ્રાય અનુસાર સઘન સારવાર પણ ઉપલબ્ધ કરાવાય છે. શૈક્ષણિક અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પાલક માતા-પિતા યોજના તથા સ્પોન્સરશિપનો લાભ આપવામાં આવે છે. ક્ધયાઓ 18 વર્ષ પૂર્ણ કરતાં તેમના કુટુંબીજન પાસે પરત ફરે છે ત્યારે અમારું મન લાગણીથી ભરાઈ જાય છે. જ્યારે જીવનમાં આગળ વધેલી ક્ધયાઓના ફોન આવતાં હોય છે ત્યારે જે-તે સમયની લાગણીઓ હજુ તેમના હદયમાં અકબંધ છે તે જાણીને અમને અમારી કામગીરીનો સંતોષ અનુભવાઈ છે તેમ પૂજાબેન શિયાલે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.