14 નવેમ્બરે ભારતના પહેલા પ્રધાનમંત્રી રહેલા પંડિત જવાહરલાલ નહેરુના જન્મ દિવસને આપણે બાળ દિવસના રૂપથી માનીએ છીએ.તો ચાલો બાળકોને પ્રિય બટેકાની વાનગી ” આલુ પનીર પોપ્સ ” વિષે જાણીએ.

-: સામગ્રી :-

– બટાકા (બાફીને છૂંદેલા) – ૨ નંગ,
– પનીરનું છીણ – ૨૦૦ ગ્રામ,
– કિસમિસ – ૧ ચમચો,
– ડુંગળીની છીણ – ૧ નંગ,
– મરચું – અડધી ચમચી,
– સમારેલાં લીલાં મરચાં – ૩-૪ નંગ,
– સમારેલી કોથમીર – ૪ ચમચા,
– ગરમ મસાલો – ૧ ચમચી,
– મેંદો – ૪ ચમચા,
– મરીનો પાઉડર – પા ચમચી,
– કોર્નફલેકસનો ભૂકો – ૧ કપ,
– તેલ – તળવા માટે,
– મીઠું – સ્વાદ મુજબ

 -: રીત :-

કિસમિસને ઉપયોગમાં લેતાં પહેલાં થોડી વાર ગરમ પાણીમાં બોળી રાખી પછી નિતારી લો. ફ્રાઈંગ પેનમાં એક ચમચો તેલ ગરમ કરી તેમાં ડુંગળીને બદામી રંગની સાંતળીને નીચે ઉતારી લો. પનીરનું છીણ, બટાકાનો છૂંદો, મરચું, સાંતળેલી ડુંગળી, સમારેલાં લીલાં મરચાં, કોથમીર, ગરમ મસાલો, મીઠું અને કિસમિસ મિકસ કરો. તેમાંથી એક ઈંચ જાડા અને બે ઈંચ લાંબા મૂઠિયાં તૈયાર કરો. મેંદામાં મીઠું, મરીનો પાઉડર અને પાણી ઉમેરી પાતળું ખીરું તૈયાર કરો. અગાઉ તૈયાર કરેલાં મૂઠિયાંને આ ખીરામાં બોળી, કોર્નફલેકસના ભૂકામાં રગદોળો. પછી તેને ફ્રિજમાં કલાકથી વધુ સમય રહેવા દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી અને તેમાં તેને આછા બ્રાઉન રંગના તળી લો. લીલી ચટણી સાથે સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.