ઓહ.. કોણ કહે આ મનો-દિવ્યાંગ બાળકો છે, સામાન્ય લોકોને પણ પાછળ છોડે તેવી સુઝ-બુઝ અને ક્ષમતા ધરાવતા બાળકો છે. જુઓ તેમણે બનાવેલા દિવડાઓ, દીવાલો સુશોભિત કરવાના લટકણ, જન્મદીવસ માટેના ગ્રેડીંગ કાર્ડ, અવનવા રંગબેરંગી સુંદર મજાના તોરણ કે જે જોઈને બાળકોની અપ્રતિમ પ્રતિભાઓ આબેહૂબ છલકાઈ આવે છે. આપણે, વાત કરીએ ભરૂચ જિલ્લાના ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર, જે સતત બાળકોને અવનવી પ્રવૃત્તિઓમાં પરોવીને તેમની પ્રતિભાને બહાર લાવવા પ્રયત્નશીલ છે. દરેક ક્ષેત્રમાં આ બાળકો પોતાનનું યોગદાન આપી શકે તે માટે તમામ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે. આ સંસ્થા દ્નારા સમાજમાં માટે સંદેશ પહોંચાડવામાં આવે છે કે આ મનો- દિવ્યાંગ બાળકો પણ પોતાનું આર્થિક ઉપાર્જન કરી આત્મનિર્ભર બનવાની ક્ષમતા ધરાવે છે. અહી 20 વર્ષથી ઉપરની વયમર્યાદા ધરાવતા બાળકો માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે.
આ એક શેલ્ટર્ડ વર્કશોપ છે, જ્યાં બાળકો એકબીજાના પૂરક બનીને સુંદર મજાનું કાર્ય કરે છે. અહીં દિવડાઓ, દીવાલો સુશોભિત કરવાના લટકણ, વિવિધ પ્રકારની અગરબત્તી, ફાઈલો, કાપડની બેગ, કોડિયાઓ, રાખડીઓ, જન્મદિવસના કાર્ડ વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના બાળકો પોતાના હાથે દિવડા, કોડીયા, તોરણ, દિવાલ સુશોભિત કરવા માટેના લટકણ સહિતની ખૂબ જ સુંદર વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. તહેવારો પ્રમાણે બાળકોને અલગ અલગ વસ્તુઓ બનાવવાનું માર્ગદર્શન આપી ઉજ્જવળ ભવિષ્યની અલગ જ રાહ ચીંધવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છેકે, રાજ્ય સરકાર દિવ્યાંગોની સતત ચિંતા કરી રહી છે અને દિવ્યાંગજનોને સંપૂર્ણ હૂંફ અને માવજત મળી રહે તે માટે સમાજસુરક્ષા વિભાગ પણ સતત કાર્યરત છે. ત્યારે સમાજ સુરક્ષા વિભાગ ધારાધોરણો સાથે સરકારી સહાય અને તેના લાભો પુરા પાડી રહ્યું છે. આ સંસ્થામાં અમુક ટકા નિભાવ ખર્ચ સરકાર ભોગવી રહી છે.