કોરોનાની મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને હવે રાજ્ય સરકાર વ્હારે આવી છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોનાની મહામારીમાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે સરકારે યોજના જાહેર કરી છે. જેમાં બાળક જ્યાં સુધી 18 વર્ષ થાય ત્યાં સુધી હર મહિને રૂ.4000ની સહાય મળવા પાત્ર રહેશે. તો જે બાળકોએ માતા અથવા પિતામાંથી કોઈ એક વાલી ગુમાવ્યા હોય તેના માટે પણ સહાયની યોજના જાહેર કરવામાં આવી છે.
કોરોનાની બીજી ઘાતક લહેરમાં અનેક પરિવારના માળા વીંખાયા છે. જેમાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. જેના કારણે આજે પણ કોરોનાનું નામ સાંભળતા તેઓની આંખમાંથી આંસુ ઓસરી રહ્યા નથી. સરકાર દ્વારા કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને મહિને રૂ.4000ની સહાય આપવામાં આવી રહી છે. જે માટે રાજકોટ બહુમાળી વિભાગમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે ઓફલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.
સરકાર દ્વારા ઠરાવ પસાર થયા બાદ હવે રાજકોટ જિલ્લાભરમાં માતા-પિતા ગુમાવનાર અને કોઈ એક વાલી ગુમાવનાર બાળકોને સહાય પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાંથી આ અંગે અત્યાર સુધી કુલ 163 અરજીઓ કરવામાં આવી છે. જે અરજીઓમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકોની 28 અરજીઓ આવેલી છે. જ્યારે 135 જેટલા બાળકોએ કોઈ એક વાલીને કોરોના મહામારીમાં ગુમાવ્યા હોવાની અરજીઓ બહુમાળી વિભાગમાં આવી છે.
કોઈ પણ ભોગ બનનાર બાળકોને આ માટે બહુમાળી વિભાગના ચોથા માળે સમાજ સુરક્ષા વિભાગથી પ્રક્રિયા કરવામાં આવશે. જેના માટેનો 0281-2458590 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં હાલ ફોર્મ ભરવાની અને સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરવામા આવેલી “મુખ્યમંત્રી બાળ સેવા” યોજના અંતર્ગત માર્ચ 2020થી શરૂ થયેલી કોરોનાની મહામારીમાં અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવા બાળકને 18 વર્ષનો થાય ત્યાં સુધી દર મહિને રૂ.4000ની સહાય સરકાર તરફથી મળશે. તો કોઈ પણ એક વાલીને ગુમાવ્યા હોય તેવા બાળકો માટે સરકાર દ્વારા બાળકોના ફોર્મ આધારે ચાઈલ્ડ વેલફેર કમિટીમાં બાળકોની સ્થિતિ વિશે તપાસી યોજના અંતર્ગત 18 વર્ષ સુધી બાળકના અભ્યાસથી માંડી રહેવા અને ખાવા-પીવાનો ખર્ચો પણ સરકાર દ્વારા કરવામાં આવશે.
મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત રાજકોટ બહુમાળી વિભાગમાં કાર્યરત અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હાલ રાજકોટ જિલ્લાભરમાંથી 163 અરજીઓ આવી છે જેમાંથી 28 બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. જેમાંથી 25 બાળકોને 18 વર્ષ સુધી દર મહિને રૂ.4000ની સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
થોડા સમય પહેલા જ ગોંડલ તાલુકાના એક ગામડામાં કોઈ જાગૃત શિક્ષક દ્વારા જિલ્લા બાળ સુરક્ષા વિભાગને જણાવ્યું હતું કે એક બાળકે કોરોનાના કાળને કારણે પોતાના પિતાને ગુમાવ્યા છે. તો માતા ઘણા વર્ષોથી સાથે રહેતી ન હતી. જેથી તુરંત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકને પૂરતી સહાય મળી રહે તે માટે કામગીરી શરૂ કરી હતી. જેના પગલે તુરંત અધિકારીઓએ બાળકની સ્થિતિ અંગે સરકારનું પણ ધ્યાન દોર્યું હતું. જેથી સરકારની મંજૂરી બસ હવે તે બાળકનો 18 વર્ષ સુધીનો તમામ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.