બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે યોજાનાર કાર્યક્રમ તંત્ર માટે પડકાર સમાન
અબતક, રાજકોટ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં આગામી તા. 31 ડિસેમ્બરને શુક્રવારે તેમનો સૌ પ્રથમ જાહેર કાર્યક્રમ યોજવાના છે. મુખ્યમંત્રીની આ મુલાકાતને પગલે તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. બીજી તરફ બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય બાળકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે. જે અનુસંધાને રાજ્યકક્ષાનો કાર્યક્રમ તા. 31ના સવારે 11 વાગ્યે રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ ધર્મેન્દ્ર કોલેજ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે જેનું જીવંત પ્રસારણ રાજ્યમાં કરાશે. આ ઉપરાંત એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી મુખ્યમંત્રીનો રોડ શો પણ યોજાશે અને તેમને સત્કારવા,અભિવાદનના કાર્યક્રમો યોજાવાના છે. આ ઉપરાંત મુવેબલ હોસ્પિટલનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થનાર છે.
મુખ્યમંત્રી પટેલ રાજકોટમાં આ પહેલા બે વખત ઉડતી મુલાકાત લઈ ગયા છે, એક વાર વાવાઝોડાની સમીક્ષા માટે અને થોડા સમય પહેલા એક ઉદ્યોગપતિના લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. પરંતુ જાહેર કાર્યક્રમ પ્રથમવાર યોજાઈ રહ્યો છે જે માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી હાથ ધરાઈ છે.
બીજી તરફ બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને નજર અંદાજ કરી શકાય તેમ ન હોય, સામાન્ય રીતે આવા મોટા કાર્યક્રમમાં બાળકોની ઉપસ્થિતિ રહેતી હોય છે અને બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હોય છે. પણ મુખ્યમંત્રીના 31મીએ યોજાનાર કાર્યક્રમમાં બાળકોને ઉપસ્થિત ન રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધૂમાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં મસમોટા કાર્યક્રમનું આયોજન તંત્ર માટે પણ પડકારો ઉભા કરી રહ્યું છે.
મુખ્યમંત્રીની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રાજકોટની મુલાકાત લેશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી 31મીએ રાજકોટની મુલાકાત લેવાના છે. તેઓની સાથે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ રાજકોટની મુલાકાતે આવવાના છે.
મુખ્યમંત્રી અગાઉ બે વખત રાજકોટની ઊડતી મુલાકાત લઈ ગયા છે. જો કે ગૃહમંત્રી તરીકે હોદ્દો સંભાળ્યા બાદ હર્ષ સંઘવી પ્રથમ વખત રાજકોટની મુલાકાત લેનાર છે. આ બન્નેની સાથે મંત્રીઓમાં અરવિંદ રૈયાણી, જીતુભાઇ વાઘાણી, બ્રિજેશભાઈ મેરજા અને અર્જુનસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહેવાના છે.