માતાજીના નવલા નોરતા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માતાજીની શક્તિની ભક્તીમાં લીન થવા શ્રી બજરંગ ગરબી મંડળની બાળાઓ આતુર જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં અર્વાચીન રાસોત્સવની ઝાકમઝાળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનુ મહત્વ અકબંધ જોવા મળી રહ્યું છે.રાજકોટમાં એક માત્ર મવડી ચોક ખાતે છેલ્લા 15 વર્ષથી થતો સળગતી ઈંઢોળીનો રાસ જોવા માટે સમગ્ર ગુજરાતભર માંથી લોકો અહીં ઉમટી પડે છે.નવરાત્રીના નવે’ય દિવસ અહીં હજ્જારોની સંખ્યામાં ભાવિકો માંની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા આવે છે.
ફાયર સેફટી ,માતા પિતાની મંજૂરી સાથે રમાતો ગુજરાતનો એક માત્ર જોખમી રાસ
માતાજીની આસ્થા સાથે હોવાથી એકપણ અઘટિત ઘટના ઘટી નથી : બાળાઓની સંપૂર્ણ જવાબદારી આયોજકોની
શ્રી બજરંગ ગરબી મંડળમાં વર્ષોથી સળગતી ઇંઢોણીના રાસે ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. આ રાસની વિશેષતા એ છે કે તેમાં માત્ર 6 બાળાઓ પોતાના માથે સળગતી ઇંઢોણી મૂકીને ગરબે ઘૂમે છે અને તે વેળાએ માં દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શકિત સમાઇ હોય તેવા દ્રશ્યો નિહાળવા મળે છે. આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરને જન્માવે છે. જયારે આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે. ત્યારે માંના ચરણમાં આપો આપ નતમસ્તક થવાનું મન થાય છે. કારણ કે માતાજીની શકિત વિના અને માંના આશિર્વાદ વગર આ કરવું એ બિલકુલ સરળ નથી.
સળગતી હિંઢોળી રાસ માટે આયોજકો યુવરાજસિંહ ઝાલા,ધર્મેન્દ્રસિંહ ઝાલા ( પિન્ટુભાઈ ખાટડી ) ,ધીરજભાઈ સિંધવ,ધર્મેશભાઈ સખીયા,શૈલેશભાઈ ભડીંગજી,માલદેવસિંહ ચુડાસમા,દેવેન્દ્રસિંહ ઝાલા,દિવ્યરાજસિંહ જાડેજા ,વિરલભાઈ સહિતના આયોજકો જહેમત ઉઠાવી રહ્યા છે.
માતાજી અમારું ધ્યાન રાખે છે આજ સુધી કોઈજ તકલીફ નથી પડી : કૃપા નડીયાપરા
કૃપા નડીયાપરા છેલ્લા 4 વર્ષ થી આ રાસ રમે છે.અબતક મીડિયા સાથેની વાતચીતમાં કૃપાએ જણાવ્યું હતું કે ભીનું કપડું માથામાં રક્ષણ આપે છે .રાસ દરમ્યાન સતત માતાજીનું સ્મરણ કરતા રહીએ છીએ.
હાથમાં મશાલ તેમજ માથે સળગતી ઇંઢોળી હોઈ ત્યારે ડર નથી લાગતો.અમારો રાસ જોવા બહારગામથી પણ લોકો આવે છે અને અમને બિરદાવે છે.
1 બાળા પર 2 આયોજકો ધ્યાન રાખે છે,માતાજી અમને કંઈ નહીં થવા દે : વૈશાલી પ્રજાપતી
છેલ્લા 2 વર્ષથી આ રાસમાં ભાગ લેનાર વૈશાલી પ્રજાપતિએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘરે થી માતા પિતાની મંજૂરી મેળવી ને જ અમે આ રાસ રમીએ છીએ.અમારી સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહે છે.એક બાળા પર 2 આયોજકો ધ્યાન રાખે છે.પૂરતી ફાયર સેફટી પણ હોઈ છે.અમને પુરી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે માતાજી અમને કાઈ નહીં થવા દે.
6 બળાઓનું ગ્રુપ ત્રીજા,છઠ્ઠા અને નવમા નોરતે રમે છે આ રાસ
પ્રાચીન ગરબીની પ્રેકટીસ ચાલી રહી છે. ત્યારે આ સળગતી ઇંઢોણીના રાસની પ્રેકટીસ કરતી 12 બાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળાઓ ડર્યા વિના પ્રેકટીસમાં લાગી ગઇ છે.નવરાત્રીમાં ત્રીજા ,છઠ્ઠા અને નવમા નોરતે આ રાસ બાળાઓ રમે છે.આ બાળાઓ પર 12 જેટલા આયોજકો સતત નજર રાખી કોઈ ઘટના ન બને તેની તકેદારી રાખતા હોય છે.બળાઓની સેફટીની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહે છે.
માતાજીના આશિર્વાદ ને કારણે છેલ્લા 15 વર્ષમાં કોઈજ અઘટિત ઘટના બની નથી : યુવરાજસિંહ ઝાલા
ગરબીના આયોજક યુવરાજસિંહ ઝાલાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરના મવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળમાં છેલ્લા 15 વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે 16 માં વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. સળગતી ઈંઢોણી રાસમાં 6 બાળાઓની ટીમ દ્વારા સળગતી ઈંઢોણી રાસ રમાઈ છે. કુલ 12 બાળાઓને પ્રેક્ટીસ કરાવવામાં આવી રહી છે. નવરાત્રી દરમિયાન ત્રીજા, છઠા અને નવમા દિવસે આ રાસનું આયોજન કરાઈ છે. એક વખત રાસ રમનાર ટીમને બીજી વખત આરામ અપાઈ છે. કલાકારો દ્વારા ગરબા ગવડાવામાં આવે છે. અહીંના રાસમાં મુખ્યત્વે ટિપ્પણી રાસ, મનજીરા રાસ, કરતાલ રાસ, ગાગર રાસ અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવા સળગતી ઈંઢોણીનો રાસ બાળાઓ રમે છે. આયોજકો દ્વારા બાળાઓને કોઈ તકલીફ ન પડે એ માટે ધ્યાન રાખવામાં આવે છે. સળગતી ઈંઢોણીના રાસ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને એ માટે પણ આયોજકો સતત એક એક બાળા નું ધ્યાન રાખી ફાયર સેફટી રાખે છે.માતાજીના આશીર્વાદ સાથે હોવાથી છેલ્લા 15 વર્ષમાં કોઈ જ અઘટિત ઘટના નથી બની.