- કુપોષણ ઘટાડવા ડીડીઓ દેવ ચૌધરીનો એક્શન પ્લાન
- રાજકોટ જિલ્લાના ૦-૧૫ વર્ષના આંગણવાડી અને સરકારી પ્રાથમિક શાળાઓમાં જતા આશરે ૧.૫ લાખ બાળકોનો નવેસરથી સમગ્ર ડેટાબેઝ કરાશે તૈયાર
- ગ્રામ્ય સ્તરે આંગણવાડી કાર્યકર, આશા વર્કર, એફએચડબ્લ્યુ અને આરબીએસકે ટીમ સહિત અંદાજે ૫ હાજરથી પણ વધુ કર્મચારીઓને કામે લગાડાશે
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુપોષણ મુક્ત ભારત તરફ મિશન મોડમાં કામગીરી શરુ કરવામાં આવી છે. હાલમાં જિલ્લા વિકાસ અધિકારી,રાજકોટ દ્વારા આઈ.સી.ડી.એસ. શાખા, આરોગ્ય શાખા અને શિક્ષણ શાખાના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે કુપોષણ ઘટાડવાના મુખ્ય ઉદેશ પર મંથન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રોગ્રામ ઓફિસર(આઈ.સી.ડી.એસ. શાખા), મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તેમજ દરેક તાલુકા કક્ષાએથી અધિકારીઓ-કર્મચારીઓમાંથીરાષ્ટ્ રીય બાળ સુરક્ષા કાર્યક્રમ ટીમ, બાળ વિકાસ યોજના અધિકારીઓ,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ અને બ્લોક રિસોર્સ સેન્ટર કો-ઓર્ડીનેટરો હાજર રહ્યા હતાં.
૦-૧૫ વર્ષના બાળકો સાથે સતત સંપર્કમાં રહેતી આ ત્રણ શાખા સાથે ચર્ચા અને વિચારવિમર્શના અંતે કુપોષણ ઘટાડવા માટે સૌપ્રથમ કુપોષણનું સાચું પ્રમાણ જાણી લક્ષ્ય આધારિત અભિગમથી કામગીરી કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ. જે સંપૂર્ણ ચર્ચા અને મંથનના અંતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર કરવામાં આવેલ છે.
જેમાં ચાલુ માસ જુન-૨૦૨ના અંત સુધીમાં રાજકોટ જીલ્લાની ૧૩૬૦ આંગણવાડીઓ અને ૮૫૪-સરકારી પ્રાથમિક શાળાઓમાં જતાં આશરે ૧,૫૦,૦૦૦ લાખ બાળકોના વજન-ઉંચાઈ નવેસરથી કરાશે. અને બાળક કુપોષિત છે કે કેમ તે માટે સ્ક્રીનીંગ કરવામાં આવશે. જે પરથી સાચો પારદર્શક નવો ડેટાબેઝ તૈયાર થશે. જે આગળ કુપોષણ નિવારણની કામગીરી માટે દિશાસૂચક બનશે. આ કામગીરીમાં ગ્રામ્ય સ્તરે આંગણવાડી કાર્યકર, આશા વર્કર, એફએચડબ્લ્યુ અને આરબીએસકે ટીમ સહિત અંદાજે ૫ હાજરથી પણ વધુ કર્મચારીઓ કાર્યરત રહેશે. દરેક પ્રાથમિક સરકારી શાળામાં બાળકોના સર્વાંગી વિકાસના ભાગરૂપે બાળકોમાં આરોગ્ય વિષયક જાગૃતિ માટે મદદરૂપ થાય તે માટે નોડલ આરોગ્ય એમ્બેસેડરની નિમણુક કરવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા. શાળામાં માસના દર પ્રથમ અને ત્રીજા બુધવારે આરોગ્ય સત્રના આયોજન માટે શાળાના આચાર્યને જવાબદારી આપવામાં આવી છે.
આંગણવાડી કેન્દ્રોના 96 હજાર બાળકોનું સ્ક્રીનીંગ આજથી શરૂ
જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આવતા ૦ થી ૬ વર્ષના તમામ બાળકોનું સ્ક્રીનિંગ કરવા દેવ ચૌધરીએ સૂચના આપી હતી, જેમાં બાળકનું વજન અને ઊંચાઇની નોંધ રાખવા, એનીમિક બાળકની યોગ્ય સારવાર કરવા, ફોલિક એસિડની ટેબલેટ અથવા સીરપ આપવા, રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ફોર ડી. સ્ક્રીનિંગ કરી ખોડખાંપણ ધરાવતા બાળકની સારવાર કે સર્જરી વિના મૂલ્યે સરકારી કે નિયત ખાનગી દવાખાનામાં કરાવવા, અતિસાર(ઝાડા)થી પીડિત બાળકને આર.એસ.,અને ઝે.ડી.એ. ટેબલેટ આપવા, ટેક હોમ રાશન અને બાલ ભોગનું યોગ્ય વિતરણ કરવા, ધાત્રીઓ અને ગર્ભવતીઓને માતૃ શક્તિ રાશન, કિશોરીઓને પૂર્ણ શક્તિ રાશન મળી રહે તેવું આયોજન કરવા જણાવ્યું હતું. આ અભિયાન અન્વયે જિલ્લાના ૯૬,૫૬૧ બાળકોનું સ્ક્રીનિંગ એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ મહાઅભિયાનનો પ્રારંભ આજથી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આરોગ્ય, શિક્ષણ અને સંકલિત બાલ વિકાસ યોજના વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.