ગુજરાત ટેકનોલોજી યુનિ.ના દિક્ષાંત મહોત્સવમાં 48611 ને પદવી એનાયત
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના 13મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે વિદ્યાર્થીઓને પદવી અને સુવર્ણપદક એનાયત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે જઅઈ-ઈસરો,અમદાવાદના ડાયરેકટર નિલેશ દેસાઈને દેશના સ્પેસ મિશનમાં તેમના અગ્રગણ્ય યોગદાન બદલ ડોક્ટરેટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.
જીટીયુના 13મા દીક્ષાંત સમારોહ પ્રસંગે કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ડિગ્રી તથા ગોલ્ડ મેડલ મેળવી રહેલા સૌ વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું કે, આજના ટેકનોલોજીના યુગમાં યુવાનો દરેક સમસ્યાના સમાધાન શોધી શકવા સક્ષમ બન્યા છે. યુવાનોમાં શૈક્ષણિક જ્ઞાન સાથે વ્યવહારિક જ્ઞાન પણ હોવું જરૂરી છે. શૈક્ષણિક જ્ઞાન સાથે વ્યવહારિક જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓ સારા નાગરિક બને છે અને સમાજ તથા રાષ્ટ્રને વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે એમ તેમણે ઉમેર્યું હતુ.
વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું મહત્વ સમજાવતા રાજ્યપાલ શ્રી એ જણાવ્યું કે, દરેક માતા-પિતાએ પોતાના બાળકોમાં વિદ્યાર્થીકાળથી જ સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. બાળકોને નાનપણથી જ શિક્ષણ સાથે આચરણ, વ્યવહાર, સામાજિક જવાબદારીઓ વિશેનું જ્ઞાન આપવું જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવા સાથે તેમની સામાજિક જવાબદારીઓ પ્રત્યે પણ સભાન કરવા જોઈએ.
રેકોર્ડેડ વિડિયો ઉદબોધનમાં કેન્દ્રીય મંત્રી ડો. રાજીવ ચંદ્રશેખરે ઉતીર્ણ થયેલા સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીને સમાજને અને દેશને મદદરૂપ થવાનું આહ્વાન કર્યું હતું.જીટીયુના 13મા દીક્ષાંત સમારોહ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યુ કે, 21મી સદી આજે ઇનોવેશન અને ટ્રાન્સફોર્મેશનની સદી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, મશીન લર્નિંગ જેવા વિષયો આ સમયની માંગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે આજે નવી શિક્ષણ નીતિ સહિત ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, રિસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છીએ. આજે આપણે વિદેશોમાંથી ટેકનોલોજી આયાત કરવાની જરૂર નથી એમ તેમણે ઉમેર્યું હતુ.
આ દીક્ષાંત સમારોહમાં જીટીયુના વાઇસ ચાન્સેલર ડો.રાજુલ ગજ્જરે યુનિવર્સિટીનો એન્યુઅલ રિપોર્ટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે વિવિધ નવીન ઉપક્રમો થકી જીટીયુ આજે અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. વોકેશનલ એજ્યુકેશન ઇન્ટીગ્રેશન, નવી શિક્ષણ નીતિનું અમલીકરણ, ફ્લેક્સિબલ કરીક્યુલમ, પોલિસી ઈનીશીએટીવ્સ, સ્કીલ અપગ્રેડેશન કોર્સ, અંડર ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા એન્જિનિયરિંગના ગુજરાતી પુસ્તકો, આઈ.આઈ.ટી ગાંધીનગર સાથે કોલોબ્રેશન, ઇનોવેશન એન્ડ ઇન્કયુબેશન લેબ્સ સહિતના શૈક્ષણિક ઉપક્રમો દ્વારા આજે જીટીયુ અને તેની સંલગ્ન સંસ્થાઓ દેશની ટોચની માનક સંસ્થાઓ દ્વારા પ્રમાણિત થઈ ચૂકી છે, જે અનેરી સિદ્ધિ છે એમ તેમણે ઉમેર્યું હતુ.
જીટીયુના દીક્ષાંત સમારોહમાં અર્પણ થનાર ડીગ્રીઓ વિશે વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ પદવીદાન સમારોહમાં 147 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાશે. આ ઉપરાંત, 28,787 સ્નાતકો, 5251 અનુસ્નાતકો, 51 પી.એચ.ડી કરનાર વિદ્યાર્થીઓ, 14,452 ડિપ્લોમા ધારકો અને 70 પોસ્ટ ગ્રેજયુએટ ઈન ડિપ્લોમા મેળવનાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આમ, કુલ 48,611 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.
એસ.એ.સી. -ઈસરો,અમદાવાદના ડાયરેકટર નિલેશ દેસાઈએ દીક્ષાંત સમારોહ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મને માનદ ડિગ્રી એનાયત કરવામાં આવી એ મારા માટે ગૌરવવંતી ક્ષણ છે. તેમણે ચંદ્રયાનની સફળતા વિશે જણાવ્યું હતું કે, ઈસરો સાથે જોડાયેલા તમામ કર્મીઓએ અથાગ મહેનતથી ચંદ્ર પર તિરંગો લહેરાવી વિશ્વમાં દેશનું માન-સન્માન વધાર્યું છે. યુવાનોને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતા તેમણે એપીજે અબ્દુલ કલામ, નેલ્સન મંડેલા, આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકોના ઉદાહરણ આપ્યા હતા. નિલેશ દેસાઈએ સૌ યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.