વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરનું ૬ આંગણવાડીઓનું સરપ્રાઈઝ ચેકિંગ: ગુનાહિત બેદરકારી સામે આવી: આંગણવાડીઓમાં જીવતા વીજવાયરો લટકતા નજરે પડયા

માસુમ ભુલકાઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા

શહેરના વોર્ડ નં.૧૩ના જાગૃત કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે આજે પોતાના વોર્ડમાં આંબેડકરનગર અને નવલનગર વિસ્તારમાં આવેલી ૬ આંગણવાડીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં માસુમ ભુલકાઓના આરોગ્ય ગંભીર ચેડા કરવામાં આવતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બાળકોને આંગણવાડીમાં જીવાતથી ખદબદતો નાસ્તો પીરસવામાં આવતો હોવાનું જોઈ કોર્પોરેટર ચોંકી ઉઠયા હતા. એક આંગણવાડીમાં તો જીવતા વીજ વાયરો પણ લટકતા જોવા મળ્યા હતા. આંગણવાડીની ક્ષતિઓ અંગે કોર્પોરેટરે તાત્કાલિક અસરથી મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને રજુઆત કરી પગલા લેવાની માંગણી કરી છે.

આ અંગે વધુ માહિતી આપતા વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને કોંગી અગ્રણી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, આજે વોર્ડ નં.૧૩માં આંબેડકરનગર અને નવલનગરમાં આવેલી ૬ આંગણવાડીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક ગેરરીતિઓ પકડાઈ હતી. જાત નિરીક્ષણ દરમિયાન એવું માલુમ પડયું હતું કે, અહીં માસુમ ભુલકાઓને નિમ્ન કક્ષાનું ભોજન અને નાસ્તો આપવામાં આવે છે. ધનેડા તથા જીવાતથી ખદબદતી દાળ અને પાણી અને લોટમાં બનાવેલો શીરો અને પાણી જેવી દાળ કે જેમાં દાળ કરતા પાણીનું પ્રમાણ વધુ હોય તેવો ખોરાક માસુમ ભુલકાઓને આપવામાં આવતો હતો. અમુક આંગણવાડીઓમાં તો જીવતા વીજ વાયરો ખુલ્લામાં લટકતા જોવા મળ્યા હતા. આજે કુલ ૭ આંગણવાડીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તમામ સ્થળોએ કોઈને કોઈ ક્ષતિ જોવા મળી હતી. પાણીના ટાંકામાં બેસુમાર વાસ આવતી હતી તો વર્ષો સુધી ટાંકાઓ સાફ કરવામાં ન આવ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું. બાળકોને જે નાસ્તો આપવામાં આવતો હતો તે નબળી ગુણવતાનો હતો જે પશુ પણ ન ખાઈ તેટલી હદે ખરાબ હતો.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, માસુમ ભુલકાઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા આંગણવાડીના કર્મચારી અને અધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવા અને પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ. આંગણવાડીમાં ચાલતી ગેરરીતિ અંગે મ્યુનિ.કમિશનરને પણ રજુઆત કરવામાં આવી છે અને જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.