વર્ષ-2007 અને તેનાથી પહેલાં જન્મેલા તમામ બાળકો કોવિડ-19 વેક્સિનેશન માટે પાત્ર: બાળકોને રસી માટે શિક્ષણાધિકારી, શાળા-કોલેજના પ્રિન્સીપાલો સાથે મનપાની મિટીંગ

 

અબતક,જામનગર

જામનગરમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવશે. આ માટે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરે શિક્ષણાધિકારી, શાળા-કોલેજના પ્રિન્સીપાલ સાથે બેઠક કરી હતી. બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપવાના એકશન પ્લાન અંતર્ગત શહેરના 12 અર્બન હેલ્થ સેન્ટર, શાળાઓ, કોલેજોમાં રસીકરણ કરવામાં આવશે. વર્ષ-2007 અને તેનાથી પહેલાં જન્મેલા તમામ બાળકો કોવિડ-19 વેક્સિનેશન માટે પાત્રતા ધરાવે છે.

આગામી તા.3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની ઉંમરના બાળકોને કોવિડ-19 રસી આપવાનું ભારત સરકારે જાહેર કર્યું છે. ગુજરાતમાં પણ સરકારની માર્ગદર્શિકા મુજબ આ વયના બાળકોને કરોના રસી આપવામાં આવશે.જે અન્વયે જામનગર શહેરની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજોમાં રસીકરણ કાર્યક્રમ માટે જામનગર મહાનગરપાલિકાએ એકશન પ્લાન ઘડી કાઢયો છે. જે અંતર્ગત ગુરૂવારે મનપાના કમિશ્નર વિજયકુમાર ખરાડીની અધ્યક્ષતમાં જિલ્લા અને તાલુકા શિક્ષણાધિકારી, શાળા-કોલેજના પ્રિન્સીપાલની બેઠક મળી હતી. જેમાં શહેરનાં 12 અર્બન હેલ્થ સેન્ટર, શાળાઓ, કોલેજ પર 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ કરવામાં આવશે. તદઉપરાંત વર્ષ-2007 અને તેનાથી પહેલા જન્મેલા બાળકો કોવિડ-19 વેક્સિનેશન માટે પાત્રતા ધરાવતા હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું.

જામનગર શહેરમાં 23,521 બાળકો કોરોના રસીને પાત્ર

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ વર્ષ-2007 અને તેનાથી પહેલા જન્મેલા બાળકો કોવિડ-19 વેક્સિનેશન માટે પાત્રતા ધરાવે છે. ત્યારે જામનગર શહેરમાં આ જોગવાઇ મુજબ કુલ 23521 બાળકો કોરોના વેક્સિનેશનને પાત્ર હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું. શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તેની સાથે સાથે 15 થી 18 વર્ષના બાળકોને કોવીડ રસીકરણ કરાવવા શહેરીજનોને અનુરોધ કર્યો છે.

13000 રસીના ડોઝ, બાળકોને રસીકરણ માટે પૂરતો જથ્થો

આગામી તા.3 જાન્યુઆરીથી શહેરના 12 અર્બન હેલ્થ સેન્ટર, શાળાઓ, કોલેજ પર 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ કરવામાં આવશે. શહેરમાં કુલ 23521 બાળકો રસીકરણને પાત્ર છે. અત્યારે મનપા પાસે રસીના 13000 ડોઝ છે. બાળકોને રસીકરણ માટે પૂરતો જથ્થો છે. આગામી દિવસોમાં રસીના હજુ વધુ ડોઝ આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.