કાલે મુખ્યમંત્રી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ પધારશે: સ્વામિનારાયણ ગુરૂકુળમાં 13000 બાળકો માટે બાળમંચનું આયોજન
મવડી કણકોટ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુલના અમૃત મહોત્સવના ઉપક્રમે આજે સવારે 13000 બાળકોના બાળમંચનું આયોજન થયેલ.બાલમંચના પ્રારંભે જનમંગલ સ્વામીના ઉદબોધન બાદ રાજકોટ ગુરુકુલના બાળકોએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું.11 બાળકોએ વડિલ સંતો સાથે 11 ગુરુકુલોના પ્રિન્સીપાલો પાસે મશાલોનું પ્રાગટ્ય કરાવી બાલમંચનો પ્રારંભ કરાવ્યો. રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના આચાર્યશ્રી કિશોરભાઈ દવેએ એક ટીમ એક મિશન દ્વારા જીવન ચેન્જ કરવા અંગે વાત કરી.
આવો! વિશ્વગુરૂ ભારતના સ્વપ્નને સાકાર કરવા અંગે સુરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંતશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ માર્ગદર્શન આપ્યું. સુરતના વિદ્યાર્થી ગાબાણી કાવ્યએ એક બાળક શું કરી શકે ? એ વિષય ઉપર સંદેશો આપ્યો. આચાર્ય શ્રી ધર્મેશભાઇ સલિયાએ શૈક્ષણિક રીપોર્ટ રજૂ કર્યો. તીર્થ સ્વરૂપસ્વામીએ વ્હાય સ્વામિનારાયણ ગુરુકુલ? એ વિષય ઉપર વિડીયો પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું. 1લા ધોરણના ધૈર્ય લખાણીએ માય ટીચર્સ એબીસીડી ઉપર પોતાની વાત રજૂ કરી હતી.
રાજકોટ, સુરત, જુનાગઢ, તરવડા,ત્રંબા ગુરુકુલના બાળકોએ દેશ ભક્તિ તથા ગુરુકુલ મૈયાના સંસ્કાર પ્રેરક વિવિધ નૃત્યો તથા રીંગ, ડંબેલ્સ, લાકડી, લેજીમ વગેરે કવાયત રજૂ કરેલ.શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર 75 જી-સ્ટાર બાલ પ્રતિભાઓનું તથા ગુરુકુલની વિવિધ શાખાઓ વચ્ચે થયેલ કોમ્પિટીશનોમાં યશસ્વી થનારને સંતોએ સ્મૃતિચિન્હો અર્પણ કરી નવાજ્યા હતા. બાલમંચની સભામાં ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી પધારતા બાળકોએ આર્મી પરેડ, બેન્ડ તથા ફૂલ પાંખડીથી વેલકમ કરી ગુરૂભક્તિ અદા કરી.
પૂજયપાદ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વાદ આપતા કહેલું કે તમારા પિતાજી તમારે માટે સંપત્તિ તેવી કરતાં હશે, તેનું ઇન્વેસ્ટમેન્ટ પણ કરતો હશે. પરંતુ એ સંપત્તિ કરતાંય તેમ તેમના સંતાન જ સાચી સંપતિ રૂપ છો. મોટા થઇને વ્યસન અને ફેશનથી બચવાથી તમે મૂઠી ઊંચેરા માનવી બનશો. કહેવત છે ને કે કુમળા છોડને વાળો તેમ વળે તમે કુમળા છોડ જેવા છો. ગુરુકુલ તમને સારા બનવા માટે જીવનમાં વળાંક આપે છે. બાળકોને મહંત સ્વામીશ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલના માધ્યમે સેવલ બાળકો પ્રત્યેનું વિઝન તે અંગે પ્રેરક પ્રવચન કરેલ .
આ પ્રસંગે રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નરશ્રી અમિત અરોરા સાહેબે બાળકો સાથે આત્મીયતા સભર વાતો કરતાં કહ્યું હતું કે દુનિયામાં સફળ થવું સહેલું છે પણ સુખી થવું અધરું છે. તમારી પાસે સફળ અને સુખી થવા માટે આ ગુરુકુલના શિક્ષકો અને સંતો લાગણી સાથે ઘણો પ્રયત્ન કરે છે. ગુરુકુલમાં ભણાવાતા નૈતિકતા અને નીતિમતાથી જીવન જીવતાં શીખવાથી તમે જરૂર સફળ અને સુખી થશો. માતપિતાને ઘરકામમાં મદદ કરવાથી તમે મનથી સશક્ત બનશો. બાળ અવસ્થામાં વિડીયો ગેમથી ન ખેલો, પરંતુ મહાકુંભમાં ખેલો, જીવનમાં ગુરુકુલને સાથે રાખજો, ગુરુકુલના સ્થાપક પૂજ્યશ્રી ધર્મજીવનદાસ સ્વામીએ આદર્શ નાગરિકોની કલ્પના કરેલી તેને સાકાર કરો એવી શુભેચ્છા.
આજના સવારના સેશનના અંતમાં સુરત ગુરુકુલ પ્રસ્તુત ’ એક એસી ભૂમિ ગુરુકુલ કી ’ રૂપક બાદ સામૂહિક રીતે ગુરુકુલ પ્રતિજ્ઞાનું ગાન કરેલબાલમંચમાં બાળકોને પ્રોત્સહન આપવા શ્રી શામજીભાઇ ખૂંટ , શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ગુરૂકુલના ભૂતપૂર્વ આચાર્ય શ્રી વી.ડી વધાસીયા સાહેબ, લોકવિજ્ઞાન કેન્દ્ર રાજકોટના ડાયરેકટર શ્રી ડો.ભાયાણી સાહેબ, અનુપમભાઈ દોશી, આચાર્ય સંઘના પ્રમુખશ્રી વિનોદભાઈ ગજેરા, પૂર્વ પ્રમુખશ્રી સંજયભાઈ પંડ્યા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
ગુરુકુળ બાળકોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરે છે: ડો.ધીરજ કાકડીયા(એડીજી,ગુજરાત રિજીયન)
પીઆઈબી ગુજરાત રિજીયનના એડીજી ડો.ધીરજ કાકડીયાએ જણાવ્યું કે,1947 સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં માત્ર મંદિરોજ બનતા હતા.શાસ્ત્રીજી મહારાજે આઉટ ઓફ ધ બોક્સ વિચારી મંદિર સાથે છાત્રાલય બનાવવામાં આવે તો એ જ બાળકોમાં ભારતીય સંસ્કૃતિના સિંચન કરી શકાય છે એવા હેતુ સાથે ગુરુકુલની શરૂઆત કરી.75 વર્ષથી આ પરંપરા રાજકોટમાં ચાલુ છે.રાજકોટ ગુરુકુલ મૂળ ગુરુકુલની ગંગોત્રી છે.ત્યારે આવા ગુરુકુલના 75 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે મૂળ સંપ્રદાયમાં આટલા મોટા કક્ષાનો મૂળ સંપ્રદાય નો મોટો પ્રસંગ ગણી શકાય છે. દેશ વિદેશથી હજારો સત્સંગીઓ અને વિદ્યાર્થીઓ અહીં ઉમટીયા છે.