બાળક પરીક્ષાના પરિણામોનો,ટકાવારીનો અને રેન્કનો ગુલામ બનતો જાય છે.
અગાઉ એક વખત મુંબઈની 120 શાળાઓમાં એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. સર્વેક્ષણમાં તારણ નીકળ્યું કે ’બાળ ગુનેગારીમાં દર વર્ષે 11 ટકા જેટલો વધારો થઈ રહ્યો છે.બાળકોમાં ગુનેગારીનું પ્રમાણ વધ્યું છે.કારણ કે એમની ઉપર મા-બાપનો અંકુશ ઘટ્યો છે.વાલીઓની સંભાળ ઓછી થઈ છે.ક્યાંક બાળકને તેના મા-બાપનો પ્રેમ મુદ્દલ મળતો નથી.તેથી બાળક તોફાની બને છે.’
બાળકો ઉછેરવાની કળા આપણે ગુમાવી બેઠા છીએ.હકીકતમાં આપણે પાર્ટ ટાઈમ મા-બાપ બની ગયા છીએ.બાળ ઉછેર એ ફુલ ટાઈમ નહીં,હોલ ટાઈમની કામગીરી છે.તેજ રફતારમાં આપણે દોડવા લાગ્યા છીએ.ઊંચા જીવન ધોરણનું ભૂત આપણી ઉપર સવાર થયું છે.વધુ કમાણી અને વધુ સુખ સગવડના સાધનોની પાછળ આપણી આંધળી દોટમાં આપણે બાળકોના ઉછેરની સરેઆમ ઉપેક્ષા કરીએ છીએ.આપણને તેના માટે સમય નથી.એટલું જ નહીં રસ પણ નથી.બાળકો માટે પ્રેમ છે,પણ એ લોહીની સગાઈનો છે.સાચી સમજદારીમાંથી જન્મેલો પ્રેમ નથી. આપણે બાળકો પ્રત્યે બેધ્યાન રહીએ છીએ. સાથે સાથે આશ્વાસન પણ લઈએ છીએ,’છેવટે તો આ બધી દોડધામ બાળકોના સુખ માટે જ છે ને !’ આ આપણું બચાવ નામું છે.બાળકોના ભાવિ કલ્યાણ માટે આપણે વર્તમાનકાળમાં બાળકોની ઉપેક્ષા કરીએ છીએ.ધીરે ધીરે બાળક મા-બાપથી દૂર થતું જાય છે.પ્રશ્ન નથી કરતું.તોફાન નથી કરતું, એટલે મા-બાપ એવું સમજે છે કે દિકરાની ગાડી પાટે ચડી ગઈ છે.
મા-બાપને ખબર નથી કે એ લાચારીથી વિવેક વાણી શીખ્યો છે.હકિકતમાં બાળક તેનાથી ઘણું દૂર નીકળી ગયું હોય છે.તેનું તેને ભાન નથી.પિતાને સમય નથી.માતાને સમય નથી.કીર્તિ અને ધન કમાવા બહારની દુનિયામાં ફર્યા કરે છે.મા-બાપ બચાવ કરે છે,’રોજી રોટી માટે ફરીએ,ત્યાં બાળક પાછળ કેટલુંક ધ્યાન આપવું ?’ મોટા ભાગના મા-બાપ માને છે કે,ખાવા આપીએ,કપડાં આપીએ,પાઠ્યપુસ્તક અને ભણાવવાની ફી આપીએ,એટલે અમારી ફરજ પૂરી થઈ ગઈ.જરૂરિયાત પૂરી પાડી દેવાથી મા-બાપ નથી બની જવાતું.શાળામાં ગણતરીના કલાકો અર્થાત માત્ર છ કલાક જ બાળક રહે છે,જ્યારે બાળક ઘરમાં અઢાર કલાક રહે છે.શિક્ષણની કારકિર્દી દરમિયાન બાળકને શાળામાં અંદાજિત પચીસ હજાર કલાક જેટલો સમય રહેવાનું થાય છે,જ્યારે મા-બાપ પાસે અંદાજે એક લાખ કલાકથી વધુ સમય બાળકને રહેવાનું થાય છે.
જૂની કુટુંબ વ્યવસ્થામાં દાદા દાદી જતન કરતા,વાર્તાઓ કહેતા, રીત ભાત શીખવતા.જ્યારે આજનું બાળક પોતાના કુટુંબ સાથેના જીવંત સંબંધો ગુમાવી બેઠું છે.આજે મોટા ભાગે સંયુક્ત કુટુંબના બદલે વિભક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળી રહી છે.બાળક એકલું પડી જાય છે.આથી બાળકને કુટુંબના બધા સગપણોની ખબર પણ નથી.બાળક આસપાસના વાતાવરણમાંથી શીખે છે.ઘરમાં થતી વાતચીત અને વપરાતી ભાષાની બાળક પર જબરી અસર થાય છે.આડોશી પાડોશીના વ્યવહાર અને વર્તનની અસર બાળકો પર વધારે થતી હોય છે.
આજે બાળકોને શિક્ષણ આપવામાં એકબીજાના બાળકો વચ્ચે ગળાકાપ હરીફાઈ જોવા મળે છે.બાળકોને ટકાના ત્રાજવે જોખવામાં આવે છે.બહુ નાની ઉંમરથી જ બાળકને ભણવા મોકલવાની પ્રથા શરૂ થઈ છે.બાળક ભણવાની તક મેળવે એ ઉમદા હેતુ છે.પરંતુ આપણે મોટેભાગે બાળક કેટલું શીખ્યો ? એ બી સી ડી કે બારાખડી શીખવામાં કેટલી પ્રગતિ કરી ? કેટલા સ્પેલિંગ પાકા કર્યા ? કેટલા રાઈમ્સ સડસડાટ બોલતો થઈ ગયો ? તેને જ આપણે પ્રગતિ ગણીએ છીએ. મોટે ભાગે આ બાબતમાં બાળકનો વિકાસ ધીમો જોઈને આપણે ઘણી વખત દુ:ખી થઈ જતા હોઈએ છીએ.રમવા અને આનંદ કરવાની ઉંમરમાં આપણે બાળકને અભ્યાસક્રમના સિલેબસમાં મુરઝાવી દઈએ છીએ. રજાઓમાં કે વેકેશનમાં પણ અલગ અલગ એક્ટિવીટીના નામે અલગ અલગ પ્રવૃત્તિઓમાં જોતરી દઈએ છીએ.પરિણામે બાળક આ યંત્રવત જીવનથી હતાશા અનુભવે છે.સતત અભ્યાસના બોજથી દબાયેલો રહે છે.પોતાની મુંજવણ નથી કોઈને કહી શકતો કે નથી સહી શકતો.
રવીન્દ્રનાથ ટાગોર કહે છે,’ ફૂલની કળીઓની પાંખડીઓ ઉઘાડી આપવાનું કામ આપણું નથી.એ પાંખડીને આપમેળે ઉઘડવા દઈએ.બાળકને પોતાના નિસર્ગ દત્ત રસોને વિકસાવવાની સ્વતંત્રતા મળશે,તો તે પ્રગતિનાં સોપાનો રમતાં રમતાં સાકાર કરશે.’
આજે વાસ્તવિકતા અલગ જોવા મળે છે. આજના મા બાપ બાળક જલદી આગળ વધે તેવી ઉત્સુકતા છે.વેપારી જેમ રાતો રાત કેમિકલથી કેળાં પકાવીને બજારમાં વેચવા મૂકી દે છે,એવી જ કંઈક આતુરતા આજના મા બાપની જોવા મળે છે. આપણે પરીક્ષાઓની વધુ પડતી ચિંતા કર્યા વગર બાળક આનંદથી શીખે એ રીતે એને ભણવા દઈએ.એની જિજ્ઞાસા અનુસાર એને જ્ઞાન સંપન્ન કરવા દઈએ.એની ક્ષમતા અનુસાર એણે કેટલી મહેનત કરવી,તે એને જાતે નક્કી કરવા દઈએ.શિક્ષણનો વિષય અને પ્રકાર બાળકની સંમતિથી નક્કી કરીએ.કોઈપણ નિર્ણય તેના પર લાદીએ નહીં.તેની સાથે વિચાર વિમર્શ કરીને આગળ વધીએ.બાળકને રેન્ક લાવવા માટે રેસના ઘોડાની માફક હાંફી જાય એ રીતે ના દોડાવીએ.પરીક્ષાના પરિણામો નબળા આવે તો આપણે વિચલિત ન થઈએ.પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યા પછી બાળક જે પરિણામ લાવે તેને આપણે આનંદપૂર્વક સ્વીકારીએ.
જેમ દુનિયામાં મા-બાપ કોઈને પસંદગીના મળતા નથી,તેમ સંતાનો પણ પસંદગીના નથી મળતા.તેમ છતાં મળેલા સંતાનોને કેળવવા પડે છે.ચોમાસામાં કોઈ ઘાસ ઉગાડવા જતું નથી,છતાં બધી જગ્યાએ પોતાની જાતે ઘાસ ઊગી નીકળે છે.જ્યારે ગુલાબ ઉગાડવા માટે મહેનત કરવી પડે છે.યોગ્ય માવજત કરવી પડે છે.બરાબર એ જ રીતે માવતરે કરેલી યોગ્ય માવજત જ બાળકોને યોગ્ય દિશા બતાવી શકે છે.