દેશમાં બદલાની ભાવના, બાળ અત્યાચાર, રોકવા સરકાર પ્રયત્નશીલ: હવે સમાજે પણ જાગૃત થવું પડશે: રવિશંકર પ્રસાદ
દેશમાં વધી રહેલી બદલાની ભાવનાથી થતા અત્યાચાર અને બાળ અત્યાચારને કાબુમાં લેવા માટે સરકાર વધુ કડક પગલા લઈ રહી છે. તેમ કાનુન મંત્રી રવિશંકર પ્રસાદે નિર્દેશ આપ્યો છે.
સંસદમાં ચાલતા બજેટ સત્ર દરમિયાન કેન્દ્રીય કાનુન મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે દેશમાં બદલાની ભાવનાથી થતા તથા બાળ અત્યાચાર દેશ માટે જોખમી છે અને આ માટે સરકાર રાજયો સાથે મળી પગલા લઈ રહી છે.
તૃણમુલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરર્જીએ સંસદમાં પૂછયું હતુ કે ફેક ન્યુઝ અને બાળ પોર્નોગ્રાફીનાં પ્રસારણને રોકવા માટે કોઈ પધ્ધતિ કે ટેકનીક છે કેમ? અને આવી ટેકનીક, પધ્ધતિ હોય તો અત્યાર સુધીમાં કેટલા લોકો સામે કેસ કર્યા અને કેટલા કેસમાં સજા કરાઈ?
સાંસદ બેનર્જીના આ પ્રશ્ર્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે દેશે આ અત્યાચારના દુષ્પરિણામોને સમજવા પડશે. ત્યારબાદ જ તેને સંપૂર્ણ રીતે રોકી શકાશે. પોર્નોગ્રાફી ખાસ કરીને બાળ પોર્નોગ્રાફી એક ગંભીર ખતરો છે અને તેને રોકવા માટે અમે કેટલાય પ્રયત્નો કરી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર રાજય સરકાર અને રાજય પોલીસ સાથે મળી તેના પર અંકુશા લાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.
બાળ પોનોગ્રાફીને પ્રકાશિત કરણ માટે સોશ્યલ મીડીયાનો ખૂબજ દૂરૂપયોગ થઈ રહ્યો છે. તેને અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ દેશમાં બાળ પોનોગ્રાફી જ નહી બદલાની ભાવનાથી થતો અત્યાચાર પણ ઝડપથી વધી રહ્યો છે. તેને રોકવા માટે સમાજ, દેશ, રાજકારણ અને સંસદે સાથે મળી કામ કરવું પડશે.
પોર્નોગ્રાફીના સમાજ પર થઈ રહેલા ખતરનાક પ્રભાવને લઈ બુધવારે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આવું પ્રસારણ કરનારી વેબસાઈટો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે અત્યારે લોકો મોબાઈલથી પોર્નોગ્રાફી જોઈ રહ્યા છે. પોર્નોગ્રાફીથી બાળકીઓ પર બળાત્કાર, મહિલાઓના જાતીય શોષણના બનાવો વધી રહ્યા છે. આથી આવી વેબસાઈટો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
નિતિશકુમારે વધુમાં જણાવ્યું કે આપણે લોકોને ગમે તેટલા શિક્ષીત કરીએ અને કાયદામાં પણ ગમે તેટલા સુધારા કરીએ પણ સમાજમાં કેટલાક લોકો એવા છે કે જે પોર્નોગ્રાફી જોઈ મહિલાઓ અને બાળકો પર અત્યાચારને અજામ આપે છે.
અત્રે એ જણાવીએ કે કોઈ યુવક યુવતીના સંબંધ તૂટયા બાદ બંને વચ્ચેની અંગત પળોની વિડિયો ફોટો સાર્વજનિક કરવામાં આવે છે, તેને બદલાની ભાવનાથી થતો અત્યાચાર કહેવામાં આવે છે.
બાળ પોર્નોગ્રાફી ઉપર સમગ્ર વિશ્ર્વમાં કડક પ્રતિબંધ છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં બાળ પોર્નોગ્રાફીને લઇ ખૂબ જ સંવેદનશીલતા સેવવામાં આવે છે. બદલાની ભાવનાથી બાળ પોર્નોગ્રાફીના કિસ્સામાં કડક સજાઓની જોગવાઇ છે. બાળકો દેશનું ભવિષ્ય ગણવામાં આવે છે તેવી સ્થિતિમાં બાળક સાથે થતા અડપલા, શોષણ જેવી ઘટનાઓથી બાળકો નાની ઉંમરમાં જ માનસિક અને શારીરિક યાતનાઓનો ભોગ બને છે.
ભારતમાં બાળ પોર્નોગ્રાફી મામલે અત્યાર સુધી સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી જેના પરિણામે બાળકો ઉપર થતા અત્યાચારના કેસ ભારતમાં બહોળા પ્રમાણમાં નોંધાયા હતા. આ તો નોંધાયેલા કેસની વાત છે અનેક કિસ્સા એવા છે જે અત્યારસુધી ચોપડે ચડયા નથી. પોર્નોગ્રાફીથી સમાજ પર ખતરનાક પ્રભાવ પડે છે તેવુ તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પણ માન્યું છે. પોર્નોગ્રાફી દર્શાવતી સાઇટો બ્લોક કરવામાં સરકારને જેટલી સફળતા મળી છે તે સફળતા માત્ર નજીવી ગણી શકાય. લોકોમાં શિક્ષણની સાથે સાથે વિકૃતિનું પ્રમાણ પણ વધ્યું હોવાનો તર્ક ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વધારો થયો હોવાની વાત સાથે થઇ શકે. મહિલાઓ સાથે બળાત્કારના ગુનાઓમાં જે પ્રકારે સજા થાય છે. જે પ્રકારે કાયદેસરના પગલા લેવાઇ છે તેવી રીતે ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં વાત સામે આવતી નથી જોકે બાળ અદાલતો અને ઓબ્ઝર્વેશન હોમમાં ઘણા તરુણો એવા છે કે જેઓ કયાંક ને કયાંક ચાઇલ્ડ પોર્નોગ્રાફી કે શોષણ સાથે એક યા બીજી રીતે સંકળાયેલા જોવા મળે છે.