જંકશન પરથી અસુરક્ષિત અને ખોવાયેલ બાળકની રક્ષા માટેની હેલ્પલાઈન

બાળકોને પડતી કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મદદરૂપ થવા તથા તેમની દેખભાળ માટે કેન્દ્ર સરકાર સંચાલિત ચાઈલ્ડ હેલ્પલાઈન રાઉન્ડ ધ કલોક પ્રોજેકટ પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટ દ્વારા ૨૦૧૧ની સાલથી કાર્યરત છે. જેના ઉપક્રમે રાજકોટ રેલવે મંડલના સહયોગથી જંકશનના પ્લેટફોર્મ નં.૧ ઉપર ચાઈલ્ડ હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે.

અત્યાર સુધીના અનુભવો મુજબ સુરક્ષિત બાળકો, ત્યજી દેવાયેલા કે ઉઠાવી જવાયેલા, ઘરેથી ભાગી ગયેલા અથવા તો પરીવારથી વિખુટા પડી ગયેલા મોટાભાગના બાળકો રેલવે સ્ટેશન ઉપર કે તેની આજુબાજુના વિસ્તારોમાંથી મળી આવતા હોય છે. અથવા ટ્રેનમાં આમથી તેમ ભટકતા જોવા મળે છે. આવા ખોવાયેલા બાળકોનો તેમના પરીવાર સાથે મેળાપ કરાવી દેવાના હેતુથી આ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત કોઈપણ યાત્રિકને આવું કોઈ બાળક જોવા મળે તો તે ચાઈલ્ડ હેલ્પ લાઈનનાં ટ્રોલ ફ્રી નંબર ૧૦૯૮ ઉપર પણ ફોન કરી શકે છે. જેના આધારે તુરત જ આ ચાઈલ્ડ ડેસ્કની ટીમ બાળકનો સંપર્ક કરી તેને તમામ પ્રકારની સરાયતા પુરી પાડશે.

ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિકો તથા તેમના બાળકોની સુરક્ષા માટેના ભાગરૂપે શહેરના જંકશન ઉપર શરૂ કરાયેલો આ પ્રોજેકટ પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલિબેન રૂપાણી, નવનિયુકત મહિલા મેયર બીનાબેન આચાર્ય તથા ડીવીઝનલ રેલવે મેનેજર પી.બી.નિનાવેના વરદ હસ્તે દીપ પ્રાગટય દ્વારા ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે તેમની સાથે ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક ડીરેકટર તથા પુજીત રૂપાણી ટ્રસ્ટના ટ્રસ્ટી મહેશભાઈ ભટ્ટ, અમિનેશભાઈ રૂપાણી, ડીવી.સિકયુરીટી કમિશનર મિથુન સોની, આરપીએફ પી.આઈ ચંદેમોહન, જીઆરપી રેલવે ફોર્સના એ.જયસ્વાલ, સ્ટેશન ડિરેકટર મહેન્દ્રસિંઘ, ચાઈલ્ડ વેલફેર કમિટી ચેરમેન, દિપકભાઈ પીપળીયા, સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા, બાળસુરક્ષા એકમના મિત્સુબેન વ્યાસ, અલ્પેશભાઈ ગોસ્વામી તેમજ અજયભાઈ વાઘેલા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

આ પ્રસંગે પુજીત રૂપાણી ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, ચાઈલ્ડ હેલ્પ લાઈન કો-ઓર્ડીનેટર નિરદભાઈ ભટ્ટ, ટીમ મેમ્બર પ્રવિણભાઈ ખોખર, ટોય લાયબ્રેરીના વર્ષાબેન મકવાણા, દિપકભાઈ જોશી, ચાઈલ્ડ હેલ્પ ડેસ્કની ટીમના કો-ઓર્ડીનેટર જીજ્ઞેશભાઈ રત્નોતર, કાઉન્સેલર વંદનાબેન વાટલીયા, ટીમ મેમ્બર્સ પુજાબેન ભટ્ટી, નિરાલીબેન રાઠોડ, ચાર્મીબેન રાજવીર સહિતનાઓ હાજર રહ્યા હતા.

ચાઈલ્ડલાઈન એ ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક ચાલતી મફત, ઈમરજન્સી તથા રાષ્ટ્રીય ફોન સેવા છે. જેની મદદથી ૧૮ વર્ષથી ઓછી ઉંમરનું સગીર બાળક મુશ્કેલીમાં હોય, એકલું હોય, જેનું શોષણ થતું હોય અથવા તેની સામે જબરદસ્તી થતી હોય તેવા સંજોગોમાં તેને આશ્રય આપવા જાણ કરી શકાય છે. આ માટે રાજકોટ શહેરમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના નેજા હેઠળ કેન્દ્ર સરકારનો ચાઈલ્ડ હેલ્પ લાઈન પ્રોજેકટ કાર્યરત છે. વિશેષ વિગત માટે પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટ ‘કિલ્લોલ’, ૧-મયુરનગર, મહાપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે રૂબરૂ અથવા ફોન નં.૨૭૦૪૫૪૫ દ્વારા વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.