ઘણી વાર બાળક કેટલાંક કારણોસર રોજિંદા જીવનમાં સમાયોજન સાધી શકતું નથી, બધાંથી અતડું રહે છે, સ્કૂલે ન જવા વિવિધ બહાનાં બનાવે છે. ચાઇલ્ડ સાઇકોલોજી આવા બાળકને શરમાળ બાળક તરીકે ઓળખાવે છે. આવા સમયે માતા-પિતાની ભૂમિકા ખૂબ મહત્વની બની રહે છે. જો યોગ્ય સમયે બાળકના આ વ્યવહારને પારખવામાં ન આવે તો બાળકનો આ સ્વભાવ આજીવન રહે છે. માતા-પિતા બાળકના આવા સ્વભાવને ઓળખી શકે છે, તેની મર્યાદાઓને જાણી શકે અને જરૂરી વિશિષ્ટ ઉછેર દ્વારા આવા શરમાળ સંતાનને કાયમી શરમાળપણાની ખાઈમાં જતાં અટકાવી શકે છે.
બાળકના વિકાસનું નિરીક્ષણ કરો આપણું સંતાન કેવું છે, તેની મર્યાદા શું છે, તે કેટલું સક્ષમ છે તેનો અંદાજ આપણને રોજબરોજના તેના જીવનના નિરીક્ષણના આધારે આવી શકે છે. તમે નોંધો કે બાળક મિત્રો સાથે ભળતું નથી, તમારા સિવાય અન્ય લોકો સાથે વાત કરતા ખચકાય છે, મહેમાન આવે તો રૂમમાં ભરાઈ જાય છે, ત્યારે આ વર્તનને સામાન્ય ન ગણો. તમારું સંતાન શરમાળ છે, તેનો આ પ્રાથમિક સંકેત છે.
- શરમાળ બાળકો વિશિષ્ટ કાળજી માગી લે છે.આવા સમયે માતા-પિતા બંનેની ફરજ છે કે તેઓ સંતાન પાછળ પૂરતો સમય આપે. તેની વાતો સાંભળે. અન્ય લોકો સાથે તેની મુલાકાતો કરાવે.
- બાળકને શરમાળપણામાંથી મુક્ત કરવામાં રસ-રુચિ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેનાં રસ-રુચિને જાણ્યા બાદ માતા-પિતાએ બાળકને તે દિશા તરફ વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ.
- શરમાળ બાળક મોટાભાગે કોઈ બાબતની લઘુતાગ્રંથિથી પીડાતું હોય છે. માટે જો બધાની સામે બાળકની પ્રશંસા કરવામાં આવે, તે જે કાર્ય કરે છે, તેના જેવું કોઈ ન કરી શકે તેવું કહેવામાં આવે તો બાળકનો આત્મવિશ્વાસ વધશે.
- તમારા અનેક પ્રયત્નો છતાં જો બાળક શરમાળપણું ન છોડી શકે તો તમારે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ અથવા મનોવૈજ્ઞાનિકની મદદ લેવી જોઈએ. તેઓ બાળ મનોવિજ્ઞાનના આધારે બાળકમાં રહેલાં શરમાળપણાનાં કારણો શોધીને તેના વર્તનમાં હકારાત્મક પરિવર્તન લાવે છે