ગાંધીધામમાં અપહરણ બાદ બાળકની નિર્મમ હત્યા. ગાંધીધામ શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ એમ.આઈ.જી. ભક્તિનગર વિસ્તારમાંથી અમનકુમાર રૂદલ સરયુગ બિહારી યાદવ નામના માસૂમ બાળકનું અપહરણ કરી કાસેઝના લાલ ગેઈટ નજીક બાવળની ઝાડીમાં લઈ જઈ તેને પછાડી ક્રૂર રીતે હત્યા નીપજાવતા ભારે અરેરાટી પ્રસરી હતી.
શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ એમ.આઈ.જી. ભક્તિનગર મકાન નંબર 764માં રહેનાર રૂદલ સરયુગ બિહારી યાદવે ચકચારી આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોતાની પત્ની સુષ્માદેવી અને નાના પુત્ર અમન કુમાર સાથે આ શ્રમિક અહીં રહે છે. તેમના બે સંતાન વતનમાં પોતાના દાદા-દાદી સાથે રહે છે. કાસેઝની ખાનગી કંપનીઓમાં કામ કરનાર આ દંપતી છેલ્લા ચારેક મહિનાથી ગુજરાતમાં કામ ધંધાર્થે આવ્યા છે.
આ બંને પતિ-પત્ની કાસેઝમાં કામે જાય ત્યારે પોતાના બાળક અમનને મકાન માલિક રમેશભાઈ રાવલને ત્યાં મૂકતા જતા શનિવારે પણ આ દંપતી નિત્યક્રમ મુજબ કામે ગયું હતું. દરમ્યાન સાંજે સુષ્માદેવી વહેલા આવતા રમેશભાઈને ઘરેથી અમનને લઈ આવ્યા હતા. આ માસૂમ બાળક ઘરની બહાર રમી રહ્યું હતું. બાદમાં અચાનક ક્યાંક ગુમ થતાં તેના પરિવારજનો અને આસપાસના લોકોએ તેની શોધખોળ કરી હતી, પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો ન હતો. બે કલાકની શોધખોળ બાદ કાસેઝના લાલ ગેઈટની સામેના ભાગે આવેલી બાવળની ઝાડીમાં એક બાળકની લાશ પડી હોવાનું બહાર આવ્યું હતું, તેવામાં આ શ્રમિક દંપતી ત્યાં દોડી જતાં તેમનું પોતાનું જ બાળક હોવાનું બહાર આવ્યું હતું.
આ બાળકનું કોઈએ અપહરણ કરી બાવળની ઝાડીમાં લઈ જઈ કપાળના મધ્ય ભાગમાં કોઈ હથિયારથી ઈજાઓ કરી તેની ક્રૂર રીતે હત્યા નીપજાવી હતી. પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, રૂદલ અને તેની પત્ની અગાઉ પોતાના વતનના એક પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. જેમાં મહિલાઓના ડખ્ખા થતા રહેતા હતા. જેથી ફરિયાદી થોડાક સમયથી અહીં રહેવા આગી ગયા હતા. તેવામાં બાળકનું અપહરણ અને બાદમાં તેની ક્રૂર રીતે હત્યાનો બનાવ સામે આવતા પોલીસે દોડધામ આદરી હતી અને હ્યુમનસોર્સ તથા જુદી-જુદી જગ્યાના સી.સી.ટી.વીના ફૂટેજ તપાસી એકાદ શખ્સને રાઉન્ડઅપ કરી લીધો હતો.
અગાઉ આ દંપતી સાથે ભાડાનાં મકાનમાં રહેનાર શખ્સ આરોપી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. તેણે બાળકને હથિયારથી તથા નીચે પછાડીને મોત નીપજાવી ત્યાંથી નાસી ગયો હોવાનું પણ બહાર આવ્યું હતું. ફરિયાદી સાથે અગાઉ ભાડે રહેતા રૂદલ કુમાર રામલખન યાદવ નામના શખ્સે આ બાળકનું અપહરણ કરી ઝાડીમાં લઈ જઈ તેને પછાડીને તેની હત્યા નીપજાવી હતી. અગાઉ બંને કુટુંબ સાથે રહેતા અને ભાડાના અડધા અડધા પૈસા આપતા હતા, પરંતુ ફરિયાદી મહિલાઓના ડખાને કારણે અલગ રહેવા ચાલ્યા જતાં આરોપીને ખટક્યું હતું અને તેણે આવું ક્રૂર કૃત્ય આચર્યું હતું. બનાવની આગળની તપાસ બી ડિવિઝન પી.એસ.આઈ. બી.એસ.ઝાલાએ હાથ ધરી છે.
ભારતી માખીજાણી