સાત વર્ષ પૂર્વ છાકટા બનેલા શખ્સોને ટપારતા છરીના ઘા ઝીંકી પોલીસ મેનને મોતને ઘાટ ઉતાર્યો તા
શકિત ઉર્ફે પેંડાનું એન્કાઉન્ટર, રૂષિરાજ જાડેજાનું મર્ડર થયું તું: એક તાજનો સાક્ષી બન્યો અને બે શખ્સોને મનુષ્ય સાપરાધ વધમાં સાત વર્ષની સજા કરી તી
શહેરમાં સહકાર સોસાયટીના ચોકમાં છ વર્ષ પૂર્વે કુખ્યાત શકિત ઉર્ફે પેંડા અને તેના સાગરીતોએ પોલીસ કોન્સેબલ ઉપર છરી વડે હુમલો કરતા પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. જે સાપરાધ મનુષ્ય વધના ગુનામાં અદાલતે અગાઉ બે આરોપીને 7 વર્ષની સજા અને રૂ.20-20 હજારનો દંડ તેમજ મૃતકના પરિવારને રૂ.50 હજારનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. જે ગુનામાં સંડોવાયેલા બાળ આરોપીને પણ કોર્ટે તકસીરવાન ઠરાવતો હુકમ કર્યો છે.
આ કેસની હકિકત મુજબ તા.16/03/2016 ના રોજ સહકાર સોસાયટીના ચોકમાં મધ્યરાત્રીએ ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ નેચડાએ ત્રણ બાઈક ઉપર છાકટા થઈને મોટે મોટેથી રાડો પાડીને આવતા છ આરોપીઓને રોકયા હતા. આ આરોપીઓ ભાગી ન જાય તે માટે શકિત ઉર્ફે પેંડો અને તેની સાથે બેઠેલ રાજપાલ ઉર્ફે રાજોના બાઇકની ચાવી પોલીસ કોન્સ્ટેબલે લઈ લીધી હતી. આથી ગુસ્સે થઈને રાજપાલ ઉર્ફે રાજાએ છરી કાઢી કોન્સ્ટેબલ ભરતભાઈ નેચડાને
કાન નીચે છરીનો ઘા ઝીંકી દીધો હતો. ઈજા થતા કોન્સ્ટેબલ ભરતભાઈ ત્યાંથી ભાગવા જતા તમામ આરોપી ભરતભાઈની પાછળ દોડી તેને પછાડી દીધા હતા. અને છરીના બે ઘા મારી દીધા હતા. બીજા ચાર આરોપીઓએ ઢીકા પાટુનો માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ કેસમાં પોલીસ તપાસના અંતે મૃતક આરોપી શકિત ઉર્ફે પેંડા સિવાયના પાંચેય આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું.
આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા સેશન્સ અદાલતે સહઆરોપી પરેશ મનસુખલાલ કાલાવડીયા અને જૈવીક ઉર્ફે મોન્ટુ દિલીપભાઈ રોજાસરાને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ નેચડાની સાપરાધ મનુષ્યવધના ગુનામાં સાત વર્ષની કેદની સજા અને પ્રત્યેકને રૂ.20 હજારનો દંડ તેમજ મૃતક કોન્સેબલના પરિવારને રૂ.50 હજારનું વળતર ચુકવવા હુકમ કર્યો છે. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલની હત્યાના ગુનામાં સંડોવાયેલા બાળ આરોપી સામેનો કેસ બાળ અદાલતમાં ચાલી જતા કોર્ટે સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરાની દલીલો ગ્રાહ્ય રાખી બાળ આરોપીને પોલીસ મેનની હત્યાના ગુનામાં તકસીરવાન ઠેરવતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.