યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો લાગી: મગફળી અને મરચાની સારી આવક: રાય-રાયડાની આવક અચોક્કસ મુદ્ત સુધી બંધ
માર્ચ એન્ડિંગની એક સપ્તાહની રજા પૂર્ણ થયા બાદ ગઇકાલે રાજકોટ માર્કેટીંગ યાર્ડ દ્વારા હનુમાન જયંતિની પણ રજા રાખવામાં આવી હતી. જો કે, ગઇકાલ રાતથી વિવિધ પ્રકારની જણસીઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવી હતી. બેડી યાર્ડની બહાર વાહનોની લાંબી-લાંબી કતારો લાગી હતી. ઘઉં, ચણા અને ધાણાથી યાર્ડ રિતસર ઉભરાય ગયું હતું. માત્ર રાજકોટ જ નહી સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં હાલ વિવિધ જણસીની સારી એવી આવક થઇ રહી છે. માવઠામાં માલ પલળે નહી તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રાય અને રાયડાની આવક બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવી છે. ગઇકાલે હનુમાન જયંતિની રજા બાદ આજે સવારે ઘઉં, મગફળી, ચણા, દાણા, લસણ, એંરડા, મરચાની આવક સ્વીકારવામાં આવી હતી. રાતથી જ વાહનોની લાંબી લાઇનો લાગી જવા પામી હતી. વહેલી સવારે વરસાદનું જોરદાર ઝાપટું પડ્યુ હતું. પરંતુ જણસી પલળે નહી તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
યાર્ડના સુત્રોના જણાવ્યાનુસાર આજે ઘઉં, ચણા અને ધાણાની સારી એવી આવક થવા પામી હતી. 60 થી 70 હજાર મણ ઘઉંની આવક થઇ છે. જ્યારે 30 હજાર ગુણી ગણાની આવક થઇ છે. ધાણાની પણ માતબર આવક થઇ હતી. કપાસની 15 હજાર મણની આવક થઇ છે. મગફળીની 7 હજાર ગુણી આવક થઇ હતી. જ્યારે લસણ, એંરડા, મેથી અને મરચાની આવક એવરેજ રહેવા પામી હતી. માત્ર રાજકોટ જ નહી સૌરાષ્ટ્રભરના યાર્ડનાં વિવિધ પ્રકારની જણસીની ચીક્કાર આવક થઇ રહી છે. આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં 1400 જેટલા વાહનો વિવિધ જણસી ભરીને આવતા યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી.