મરચાની 25 હજાર મણની આવક: ધાણા અને લસણથી યાર્ડ ઉભરાયુ
અબતક-રાજકોટ
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી મરચા, ધાણા, લસણની ચિક્કાર આવક થઇ રહી છે. એક જ દિવસમાં મરચાની 25 હજાર મણની આવક થવા પામી હતી. ભાવ પ્રતિમણના 2500થી 3500 રૂપિયા બોલાઇ રહ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે ગત્ રવિવારે યાર્ડમાં માત્ર ત્રણ કલાક સુધી મરચાની આવક સ્વીકારવામાં આવી હતી. જેમાં 25 હજાર મણ મરચાની આવક થવા પામી છે. હાલ મરચાની આવક બંધ કરી દેવામાં આવી છે. મરચાનો હવે એક સપ્તાહમાં નિકાલ કરી દેવામાં આવશે. મરચાનો પ્રતીમણ ભાવ રૂા.2500થી 3500 બોલાય રહ્યો છે. ધાણાની પણ 7 હજાર મણ આવક થવા પામી છે. ભાવ રૂા.1200 થી 2100 બોલાઇ રહ્યો છે. જ્યારે લસણની ચિક્કાર આવક થઇ રહી છે. જૂના લસણની 10 હજાર મણની આવક થઇ રહી છે. ભાવ રૂા.100 થી 400 બોલાઇ રહ્યો છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડ હાલ મસાલા અર્થાત્ મરચા, ધાણા અને લસણથી ઉભરાય રહ્યું છે.