રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડમાં એક પખવાડીયાથી નવી જણસીની આવક શરૂ થઇ છે. સારા ભાવ મળી રહ્યા હોવાના કારણે ખેડૂતોના ચહેરા પર પણ સંતોષનો આનંદ જોવા મળી રહ્યો છે. આજે બેડી યાર્ડ ખાતે 17 હજાર ગુણી મગફળીની આવક થવાના કારણે યાર્ડ મગફળીથી છલકાઇ ગયું હતું.
એક જ દિવસમાં 17 હજાર ગુણી આવકથી યાર્ડ મગફળીથી છલકાયું
યાર્ડના યુવા ચેરમેન જયેશભાઇ બોઘરાના જણાવ્યાનુસાર આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની 17 હજાર ગુણીની આવક થવા પામી છે. જેમાં જાડી મગફળીની 2200 ક્વિન્ટલ આવક થઇ છે. ભાવ રૂ.1021 થી 1360 ઉપજ્યા હતા. જ્યારે જાડી મગફળીની 2300 ક્વિન્ટલ આવક થવા પામી છે. ખેડૂતોને જાડી મગફળીના રૂ.1041 થી 1405 મળી રહ્યા છે. સારા ભાવો મળતા હોવાના કારણે સૌરાષ્ટ્રભરના ખેડૂતો મગફળી સહિતની જણસી લઇને બેડી યાર્ડમાં વેંચાણ માટે આવી રહ્યા છે. માત્ર મગફળી જ નહિં પરંતુ કપાસ, સોયાબીન સહિતની અલગ-અલગ જણસીની આવક છેલ્લા ઘણા દિવસોથી સતત વધી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવી મગફળીની આવક શરૂ થવાના કારણે સીંગતેલના ભાવોમાં પણ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. નવરાત્રિના તહેવાર બાદ હજુ મગફળીની આવકમાં વધારો થવાની સંભાવના પણ યાર્ડના હોદ્ેદારો અને વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
સીંગતેલના ભાવમાં એક મહિનામાં રૂ.300નો ઘટાડો
નવી મગફળીની આવક શરૂ થતા સતત ભાવ ઘટવા લાગ્યા: હજી રૂ. 100નો ઘટાડો થવાની સંભાવના
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની મબલખ આવક શરૂ થવાના કારણે સિંગતેલના ભાવમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે છેલ્લા એકાદ મહિનામાં તેલના ડબ્બાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.હજી ₹100 નીકળી જાય તેવી સંભાવના તેલ મીલર વ્યક્ત કરી રહ્યા છે.
સાતમ આઠમના તહેવારોમાં સિંગતેલના ડબ્બાના ભાવ 3150 રૂપિયા પહોંચી ગયા હતા દરમ્યાન નવી મગફળીની આવક શરૂ થવાના કારણે છેલ્લા એકાદ મહિનાથી ભાવમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે.હાલ બ્રાન્ડેડ સીંગતેલના ડબ્બાના ભાવ રૂપિયા 2900 બોલાય રહ્યા છે જ્યારે નોન બ્રાન્ડેડ સિંગતેલના ડબ્બાના ભાવ રૂપિયા 2750 બોલાય રહ્યા છે મગફળીની આવક ઉપરાંત સાઈડના તેલના ભાવ 50 ટકા જેટલા નીચા હોવાના કારણે લોકો અન્ય તેલ તરફ વળી ગયા છે જેથી સીંગતેલમાં હાલ માંગ નથી બેવડી અસરના કારણે ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા પાંચેક દિવસની વાત કરવામાં આવે તો સીંગતેલના ભાવમાં
130 થી લઈ ₹150 સુધીનો ઘટાડો નોંધાયો છે હવે યાર્ડમાં મગફળીની ચિક્કાર આવક શરૂ થઈ હોય આગામી દિવસોમાં આજે તેલના ડબ્બાના ભાવમાં ₹100 રૂપિયા નો ઘટાડો થવાની સંભાવના છે હાલ કપાસિયા તેલ પામોલીન તેલ અને સનફ્લાવર તેલના ભાવ 1500 રૂપિયા છે સીંગતેલ કરતા સાઇડના તેલના ભાવ અડધા હોવાના કારણે લોકો સીંગતેલની ખરીદી કરતા નથી નવું પીલાણ શરૂ થયું હોય ભાવમાં રોજ 20 થી 30 રૂપિયાનો ઘટાડો નોંધાય રહ્યો છે આ વર્ષે સિંગતેલના ડબ્બાના રેકોર્ડ બ્રેક 3150 ભાવ થઈ ગયા હતા જોકે છેલ્લા એક મહિનામાં ડબ્બે રૂપિયા 300 ઘટાડો થતાં લોકોને રાહત મળી છે.