મગફળીની 18 હજાર ગુણીની જ્યારે કપાસની 17 હજાર મણની આવક: સિઝનના આરંભે ભાવ એવરેજ
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને કપાસ સહિત તમામ પ્રકારની જણસીની નવી આવક શરૂ થઇ જવા પામી છે. આજે મગફળીની 18 હજાર ગુણીની આવક થવા પામી હતી. જ્યારે નવો કપાસ પણ 17 હજાર ગુણી આવ્યો હતો. અડદ, તુવેર અને સોયાબીનની પણ આવક શરૂ થવા પામી છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાના જણાવ્યાનુસાર યાર્ડમાં છેલ્લા થોડા દિવસોથી કપાસ અને મગફળીની નવી આવક શરૂ થવા પામી છે. મગફળી માટે રોજ 170 જેટલા ખેડૂતોને ટોકન આપવામાં આવે છે. દરમિયાન આજે નવી મગફળીની 18 હજાર ગુણીની આવક થવા પામી છે. મગફળીનો ભાવ રૂા.1100થી 1380-90 જેવો છે. જ્યારે નવા કપાસની 17 હજાર મણ જેટલી આવક થવા પામી છે. પ્રતિ મણ કપાસનો ભાવ રૂા.1600થી રૂા.1800 બોલાયો હતો. કપાસમાં હજી ભીનાશનું પ્રમાણ વધુ હોવાના કારણે ભાવ થોડા નીચા બોલાય રહ્યા છે. સિઝનના આરંભે મગફળી અને કપાસના ભાવ એવરેજ હોવાના કારણે આગામી દિવસોમાં ભાવો હજી નીચા જવાની પણ સંભાવના રહેલી છે.
આ ઉપરાંત નવા અડદ, તુવેર અને સોયાબીનની આવક પણ થઇ રહી છે. વ્યવસ્થા જળવાય રહે અને યાર્ડમાં માલનો ખોટો ઉભારો ન થાય તે માટે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. હાલ મગફળીની આવક વધુ હોવાના કારણે રોજ 170 ખેડૂતોને મગફળી વેચવા માટે ટોકન આપવામાં આવી રહ્યા છે. નવી ટોકન વ્યવસ્થાથી વેપારીઓ અને ખેડૂતોને મોટો ફાયદો થઇ રહ્યો છે.