અમરેલી જીલ્લામાં છેલ્લા ૮ ત્રણેક માસથી ચોરીઓ કરતી ચિખલીકર ગેંગના સભ્યને રૂ.૧,૯૪,૮૬૦/- ના સોના-ચાંદીના ઘરેણાં સાથે પકડી પાડતી અમરેલી પોલીસ
તાજેતરમાં અમરેલી જીલ્લામાં જુદા જુદા પો.સ્ટે. વિસ્તારમાં મિલકત સબંધી ગુન્હાઓ વધવા પામેલ જેમાં ખાસ કરીને અમરેલી શહેરના જેસીંગપરા, સુખનાથપરા, સંકુલ રોડ, મણિનગર તેમજ સાવરકુંડલા ટાઉનમાં બંધ મકાનોના તાળા એક સરખી પધ્ધતિથી તોડી ઘરફોડ ચોરીઓ થયેલ હોય અને માણસોમાં ભયનો માહોલ સર્જાયેલ. શહેરના અમુક વિસતારમાંથી લોકોએ સ્વયંભુ રીતે ગૃપ બનાવી ચોરીના બનાવો અટકાવવા ઉજાગરા શરૂ કરેલ હતાં. આ પ્રકારના મિલકત સબંધી ગુન્હાઓ ઉપર અંકુશ લાવવા માટે અમરેલી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇ દ્વારા આ પ્રકારના બનાવોની વિગતોનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરવામાં આવેલ અને આવા ગુન્હાઓ શોધી કાઢવા તથા તેના ઉપર અંકુશ લાવવા તથા આરોપીઓ પકડી પાડવા એક્શન પ્લાન બનાવવામાં આવેલ.
જે એક્શન પ્લાન અંતર્ગત ઘરફોડ ચોરીઓ બનતી હોય તેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાનગી પોલીસ દ્વારા પેટ્રોલીંગ રાખવામાં આવેલ અને આવા વિસ્તારોમાંથી અવર-જવર કરતાં શંકાસ્પદ ઇસમો ઉપર વોચ રાખવા અને આવા વિસ્તારોના સી.સી.ટી.વી. કેમેરાના વિડીયો ફુટેજનો અભ્યાસ કરવા અમરેલી એસ.ઓ.જી. તથા એલ.સી.બી. ટીમને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવેલ હતું.
ઉપરોક્ત એક્શન પ્લાનના ભાગરૂપે ગઇ કાલ તા.૨૪/૦૫/૧૮ ના રોજ અમરેલી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇની સુચના અને અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી. સી.જે.ગોસ્વામીના માર્ગદર્શન નીચે અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ.શ્રી. આર.કે.કરમટા એસ.ઓ.જી. તથા એલ.સી.બી. ટીમના માણસો સાથે અમરેલી જીવાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર પાસે શંકાસ્પદ વાહનો ચેક કરવાની કામગીરી કરતાં હતાં તે દરમ્યાન કુંકાવાવ તરફથી એક બુલેટ મોટર સાઇકલ સવારને રોકી ચેક કરતાં તે શંકાસ્પદ જણાતાં અને તેની પાસેથી સોના-ચાંદીના દાગીનાઓ મળી આવતાં આ દાગીનાઓ અંગે તથા બુલેટ મોટર સાઇકલ અંગે બીલ કે આધાર-પુરાવો હોય તો રજુ કરવા કહેતાં આ ઇસમ ગલ્લાં-તલ્લાં કરવા લાગેલ અને ફર્યુ ફર્યુ બોલતો હોય અને કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય વધુ શંકા જતાં આ ઇસમની સઘન પુછપરછ કરતાં તેનું નામ સતનામસીંગ ઉર્ફે સતુ મહેન્દ્રસીંગ ટાંક, ઉં.વ.૩૯, ધંધો.ભુંડ પકડવાનો, રહે.બાબરા, અમરાપરા, મુળ. રહે.અમરેલી વાળો હોવાનું જાણાવા મળેલ. અને તેની પાસેથી મળી આવેલ ઘરેણાંઓ અમરેલી શહેર, અમરેલી તાલુકા તથા સાવરકુંડલા વિ. વિસ્તારમાં પોતે પોતાના સાગરીતો સાથે મળીને ઘરફોડ ચોરીઓ કરેલ તે પૈકીના તથા આ ચોરીઓમાં પોતાના ભાગે આવેલ મુદ્દામાલ/રોકડ રકમમાંથી બનાવડાવેલ ઘરેણાઓ હોવાની કબુલાત આપેલ. મજકુર ઇસમે તેની પુછપરછ દરમ્યાન નીચે મુજબની ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.
(૧) આજ થી સાડા ત્રણેક મહિના પહેલા અમરેલીમાં મણિનગરમાં આવેલ રાધારમણ સોસાયટીમાં એક બંધ મકાનનાં તાળા નકુચા તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ.
(૨) ઉપરોક્ત ચોરીના અઠવાડીયા બાદ અમરેલી શહેરમાં લીલીયા રોડ ઉપર સુખનાથપરા વિસ્તારમાં આવેલ શ્રીજી ટાવરમાં ત્રણેક ફલેટમાં તાળા નકુચા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરેલ.
(૩) ઉપરોક્ત ચોરીના બે દિવસ પછી અમરેલીમાં સુખનાથપરામાં એક બંધ મકાનનાં તાળા નકુચા તોડી સોનાની લગડી તથા પરણુરણ રોકડા રૂપિયાની ચોરી કરેલ.
(૪) આશરે અઢી મહિના પહેલા અમરેલીમાં સંકુલની સામે આવેલ ગ્રીન એપાર્ટમેન્ટમાં ત્રણેક ફલેટમાં તાળા નકુચા તોડી સોનાના દાગીના તથા પરચુરણ રોકડા રૂપીયા ની ચોરી કરેલ.
(૫) ઉપરોક્ત ચોરીના આઠેક દિવસ પછી અમરેલીમાં રોકડ નગરમાં પટેલ કોલોનીમાં એક બંધ મકાનનાં તાળા નકુચા તોડી તેમાંથી સોનાનાં દાગીના તથા પરચુરણ રોકડા રૂપિયાની ચોરી કરેલ તેમજ ત્યાંથી આગળ અક્ષરધામ શેરીમાં એક બંધ મકાનનાં તાળા નકુચા તોડી તે ઘરમાંથી પણ સોના ચાંદીનાં દાગીનાં તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ.
(૬૬) આશરે બે મહિના પહેલા અમરેલીમાં જેસીંગપરામાં બે મકાનોમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરેલ.
(૭) દોઢેક મહિના પહેલા અમરેલીમાં જેસીંગપરામાં અલગ અલગ ત્રણ બંધ મકાનોના તાળા નકુચા તોડી તેમાંથી સોના ચાંદીના ઘરેણાં તથા રોકડ રકમ વિ. ચોરી કરેલ.
(૮) આશરે આઠ-નવ દિવસ પહેલા સાવરકુંડલામાં ભમોદ્રા રોડ ઉપર એક કારખાનાનાં તાળા નકુચા તોડી કારખાનામાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલ.
(૯) આ ઉપરાંત મહુવામાં શિવનગરમાં પણ ચોરી કરેલ છે.
ગુન્હો કરવાની પધ્ધતિઃ-
આ કામે પકડાયેલ ઇસમ ચિખલીકર ગેંગનો સભ્ય છે. આ ગેંગ ચોરીઓ કરવા માટેના સ્થળે જવા આવવા ઝેન ગાડી રજી.નંબર જી.જે.૧૩.એન.એન.૪૮૨૭ નો ઉપયોગ થતો હતો. ચોરી કરતાં પહેલા ગેંગના સભ્યો દ્વારા રેકી કરવામાં આવતી હતી અને જે મકાનો બંધ હાલતમાં હોય અને તાળાં મારેલ હોય તેવા મકાનો ચોરી કરવા માટે પસંદ કરવામાં આવતાં હતાં. બંધ મકાનોના તાળાં અને નકુચા તોડવા માટે એક લોખંડનો એકાદ ફુટનો સળીયો કે જેનો એક છેડો હુક જેવો વળેલો અને બીજો છેડો કોશ જેવો અણિવાળો હોય તેનો તથા ખુલ્લી કાતર અને ડીસમીસનો ઉપયોગ કરતાં હતાં. આ ગેંગના સભ્યો દ્વારા ચોરી કરતી વખતે હેંડલ લોક કર્યા વગરના મોટર સાઇકલ માસ્ટર કી થી ચાલુ કરી ચોરી કરવા માટે આ મો.સા.નો ઉપયોગ કરતાં અને ચોરી કર્યા બાદ આ મો.સા. બિનવારસી મુકી દઇ ઝેન કારમાં ફરાર થઇ જતાં હતાં. આ લોકો ચોરી કરતી વખતે સી.સી.ટી.વી. કેમેરા ન હોય તેવા જ મકાનોની જ પસંદગી કરતાં હતાં. તેમજ આ ગેંગના સભ્યો પૈકી એક માણસ ઝેન કાર લઇ હાજર રહેતો હતો અને એક માણસ ચોરી કરવાના સ્થળ બહાર પાઇપ લઇ ધ્યાન રાખવા ઉભો રહેતો અને બાકીના સભ્યો ચોરી કરવા ઘરમાં જતાં હતાં. આ લોકો બહુમાળી મકાનો ચોરી કરવા માટે પસંદ કરતાં અને જે માળે ચોરી કરવા જાય તે માળના બાકીના મકાનોના આલ્ડ્રાફ બહારથી બંધ કરી દેતાં હતાં જેથી કોઇ મદદ માટે આવી ન શકે. આ ગેંગના સભ્યો સરદારજી હોય તેઓ પોતાની ઓળખ અને પોતાના લાંબા વાળ છુપાવવા માથા ઉપર પાઘડીને બદલે દસ્તી (રૂમાલ) બાંધી વાળા છુટા રાખી ટોપી પહેરી લેતાં હતાં.
ચિખલીકર ગેંગના સભ્યોની વિગત તથા ગુનાહિત ઇતિહાસઃ-
આ ગેંગના સભ્યોમાં પકડાયેલ સતનામસીંગ મહેન્દ્રસીંગ ટાંક ઉપરાંત તેનો પુત્ર સતપાલસીંગ ઉર્ફે રોબીન સતનામસીંગ ટાંક તથા સતપાલસીંગના સસરા શેરસીંગ રણજીતસીંગ ઉર્ફે ગીડ્ડાસીંગ રાઠોડ અને તેનો ભાઇ મનજીતસીંગ રણજીતસીંગ ઉર્ફે ગીડ્ડાસીંગ ટાંક રહે. વડોદરા, એકતાનગર તથા વિક્રમસીંગ સરનસીંગ રાવત, રહે.રાજસ્થાન વાળાઓ છે. જે પૈકીનો શેરસીંગ તથા મનજીતસીંગ અગાઉ અમદાવાદ, ગોંડલ વિસ્તારમાં ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ છે.
આ કામગીરી અમરેલી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇની સુચના અને એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી.સી.જે.ગોસ્વામીના માર્ગદર્શન મુજબ અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ.શ્રી.આર.કે.કરમટા, એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી. કે.ડી.ગોહિલ તથા એસ.ઓ.જી. ટીમના ગિરીરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, રાહુલભાઇ ચાવડા, હરેશભાઇ વાણિયા, પ્રકાશભાઇ જોષી, ભાસ્કરભાઇ નાંદવા, જેશીંગભાઇ કોચરા, દેવરાજભાઇ કળોતરા તથા એલ.સી.બી. ટીમના ભરતબાપુ ગોસ્વામી, કે.સી.રેવર, કિશનભાઇ હાડગરડા, મનિષભાઇ જોષી, ભગવાનભાઇ ભીલ, મયુરભાઇ ગોહિલ, હરેશભાઇ બાયલ, જગદીશભાઇ પોપટ, તુષારભાઇ પાંચાણી, રાજુભાઇ ચૌધરી વિ.એ કરેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com