સ્થાનિકોની રજૂઆતને પગલે ગેરકાયદે ચાલતું બાંધકામ અટકાવવાનો હુકમ
મોરબીના શનાળા રોડ પર જીઆઇડીસી પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ થતું હોવાની સ્થાનિકોએ પાલિકા તંત્રને રજુઆત કરી હતી. જેના પગલે ચીફ ઓફિસરે ગેરકાયદે બાંધકામ કરનારને નોટિસ ફટકારી છે.મોરબીની ચિત્રકુટ સોસાયટીના રહીશ લાલજીભાઈ દેત્રોજાએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે તેમના મકાનની બાજુમાં કોઈ પણ જાતની મંજૂરી વગર બહુમાળી ઇમારતનું બાંધકામ થઈ રહ્યું છે. જેના કારણે તેમના મકાનમાં ઘણું નુકશાન થઈ રહ્યું છે.
તેઓએ આ બાંધકામ અટકવવા માટે અગાઉ પણ રજુઆત કરી હતી.
રજુઆત સંદર્ભે કોઈ પણ પગલાં લેવામાં ન આવતા હાઇકોર્ટનો સહારો લેવામાં આવ્યો હતો. હાઇકોર્ટ દ્વારા આ બાંધકામ બંધ કરાવવાનું પાલિકાને સુચન કરવામાં આવ્યું હતું. જેના પગલે પાલિકાના ચીફ ઓફિસરે આ બાંધકામ કરનારને નોટિસ ફટકારી બાંધકામ અટકાવવાનો હુકમ કર્યો છે.