અધૂરા રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં નહિ આવેતો ચક્કાજામ કરવાની રહીશોની ચીમકી
મોરબીમાં કેનાલ રોડ પર આવેલી મધુરમ સોસાયટીમાં નવો રોડ બનાવવા માટે જૂનો રોડ તોડી નાખ્યા બાદ કામ અધૂરું મૂકી દેવામાં આવતા સ્થાનિકોને અવર જવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ અંગે સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને રજુઆત કરી રોડનું કામ તાત્કાલિક શરૂ કરાવવામાં નહિ આવેતો ચક્કાજામ કરવાની ચીમકી આપી છે.
મોરબીમાં કેનાલ રોડ, આલાપ સોસાયટી રોડ પર આવેલી મધુરમ સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે તેઓની સોસાયટીમાં તા.૨૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું. બાદમા સીસી રોડ બનાવવા માટે જૂનો રોડ તોડી નાખવામા આવ્યો હતો. હાલ જૂનો રોડ તોડીને કામ અધૂરી હાલતમાં મૂકી દેવામાં આવ્યું છે.
વધુમાં રહીશોએ જણાવ્યું હતું કે જૂનો રોડ તોડેલી હાલતમાં છે. તેની જગ્યાએ નવા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. તૂટેલા રોડના કારણે સ્થાનિકોને અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વધુમાં આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહિ આવેતો રોડ પર ચક્કાજામ કરવાની રહીશોએ ચીમકી ઉચ્ચારી છે.