સ્વચ્છતામાં નંબર વન બનાવવાની નેમ સાથે
દેશભરમાં હાલમાં ચાલી રહેલા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં ગુજરાતભરમાંથી પસંદ કરાયેલી નગરપાલિકા પૈકી એક દ્વારકા નગરપાલિકા પણ શામિલ હોય દ્વારકા નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્વચ્છતા અંગેના વિવિધ સ્તરે અભિયાનોમાં પાલિકાના કર્મચારીઓની સાથે સાથે ગ્રામજનો પણ સક્રિયપણે જોડાઈ દ્વારકાને સ્વચ્છ રાખવામાં ઉમદા યોગદાન આપે તેવો દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડીયા દ્વારા દ્વારકાવાસીઓને અનુરોધ કરાયો છે. આ માટે સ્વચ્છતા એપ એ સૌથી સરળ રસ્તો હોય વધુને વધુ લોકો સ્વચ્છતા એપ મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો મહતમ ઉપયોગ કરી તેમજ આસપાસના તેમજ પરિચિતોને આ અંગે સમજ આપી મહતમ ઉપયોગ કરી શહેરને સ્વચ્છ રાખવા સિંહ ફાળો આપે એવું પણ તેમણે ઉમેર્યું છે. દ્વારકા નગરપાલિકા દ્વારા હાલ સ્વચ્છતા અંગે ડોર-ટુ-ડોર કલેકશન તેમજ માઈક દ્વારા સ્વચ્છતાનું ગીત-સંગીત સાથેની સમજ આપતું સ્વચ્છતા ગીત શહેરના દરેક વિસ્તારોમાં વગાડી લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતતા કેળવાય તે અંગે મહાઅભિયાન પણ લાંબા સમયથી ચાલી રહ્યું છે. દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં દ્વારકા ગુજરાતભરનું પ્રતિનિધિત્વ કરી અગ્રતાક્રમ મેળવે તેવી અપેક્ષા સાથે આજના ડીજીટલ યુગમાં વધુને વધુ લોકો સ્વચ્છતા એપનો ઉપયોગ કરે તેવી ચીફ ઓફિસર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.