રૂ. ૮.૭૦ કરોડના ખર્ચે ર૯૩૮ ચો.મીટરમાં નિર્માણ પામ્યુ છે પોલીસ આવાસ નિગમ ભવન
પોલીસ સેવાઓને આધુનિક ઓપ આપતા સુવિધાસભર-ગુણવત્તાયુકત ભવનો- કચેરીઓ-આવાસોના નિર્માણની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં પોલીસ સેવાઓને આધુનિક ઓપ આપતાં સુવિધાસભર-ગુણવત્તાયુકત ભવનો, કચેરીઓ તેમજ કર્મયોગી આવાસો નિર્માણની નેમ વ્યકત કરી છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કઠીન પરિસ્થિતીમાં કાર્ય કરતા પોલીસકર્મીઓને કામકાજના સ્થળે અને વિરામ દરમ્યાન પોતાના નિવાસે ફ્રેશનેસ-સ્ટ્રેસ ફ્રી વાતાવરણ અનુભવાય તેવી મોકળાશ વાળી કચેરીઓ-આવાસો પોલીસ આવાસ નિગમ નિર્માણ કરે છે તે અભિનંદનીય છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સેકટર-૧૦-બી માં ર૯૩૮ ચોરસ મીટર વિસ્તારમાં પરાયેલી રૂ. ૮.૭૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલી ગુજરાત પોલીસ આવાસ નિગમ લી.ની વડી કચેરીનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કર્યું હતું. વિજયભાઇ રૂપાણીએ ઘણા લાંબા સમય બાદ નિગમને પોતાનું આગવું ભવન મળવા અંગે આનંદ વ્યકત કરતાં કહ્યું કે, પોલીસ આવાસ નિગમ રાજ્યમાં ગુણવત્તાયુકત, ઝડપી અને ટાઇમ બાઉન્ડ આવાસ-કચેરીઓના બાંધકામમાં અગ્રેસર રહે તેવી અપેક્ષા છે.
ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં વિવિધ કક્ષાના ૩૬૮પ૬ રહેણાંક મકાનોનું બાંધકામ રૂ. ર૧રર કરોડના અંદાજીત ખર્ચે હાથ ધરાયુ છે તેમાંના ૩પ૧૩૪ મકાનો સરકારને વપરાશ હેતુ સુપરત કરી દેવાયા છે. નિગમે ર૯૪૮ બિનરહેણાંક મકાનો રૂ. ૧૪૦૬ કરોડના ખર્ચે બાંધવાનું કામ હા ધરીને ૧૬૦૦ આવાસો વપરાશ માટે સોંપી દીધા છે.
આ નિગમ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવિન કચેરી રૂ. ૮૦ કરોડના અંદાજીત ખર્ચે નિર્માણાધિન છે. એટલું જ નહિ, નિગમે અઈઇ ભવન, હોમગાર્ડ ભવન, નશાબંધી ભવન, જેલ ભવન તેમજ કમાન્ડો ટ્રેનીંગ સેન્ટરના નિર્માણ પ્રોજેકટસ પણ હાથ ધરેલા છે.
આ નિગમ દ્વારા વન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, હોર્ટિકલ્ચર વિભાગ, પાઠય પુસ્તકમંડળ, ઘેટાં ઊન વિકાસ નિગમ વગેરેના બાંધકામો પણ હાથ ધરાયા છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અવસરે રાજ્યમાં પોલીસ કર્મીઓને બે રૂમ રસોડાના સંપૂર્ણ સુવિધા સજ્જ મકાનો આપવાની સરકારની પ્રતિબધ્ધતા દોહરાવી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ગૃહ વિભાગ માટે રૂ. પપ૦ કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. રાજ્ય પોલીસ દળમાં ભરતી વધતાં આવાસ અને મોકળાશ ભરી કચેરીઓનો સેટિફેકશન રેશિયો મેઇન્ટેઇન કરવા આવાસોની આવશ્યકતા પોલીસ આવાસ નિગમ પરિપૂર્ણ કરી રહ્યું છે.