જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓને ગઈકાલે મુખ્યમંત્રીએ ગાંધીનગર બોલાવ્યા હતાં અને મિટિંગ યોજી હતી. જેમાં સ્વભંડોળની આવક વધારવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતું તથા શહેરના વિકાસ માટે સરકાર તો હરહંમેશ મદદ કરવા તત્પર હોવાનું આસ્વાસન આપ્યું હતું.
જામનગર શહેરના અનેક વિકાસ પ્રોજેક્ટની રૂપરેખા લઈને જામનગરના મેયર હસમુખ જેઠવા અને મ્યુનિ. કમિશનર આર.બી. બારડ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી પાસે પહોંચ્યા હતાં અને શહેરમાં કરવાના થતા વિકાસ કામોની રૂ૫રેખા રજૂ કરી હતી.
જો કે મુખ્યમંત્રીએ તો સૌ પ્રથમ એવી શીખ આપી હતી કે સરકારનો શહેરોના વિકાસ માટે હરહંમેશ તૈયાર છે, પરંતુ મહાનગરપાલિકા પોતે પણ આર્થિક રીતે સ્વનિર્ભર બને એટલે કે આવકના સ્ત્રોત વધારી સ્થાનિક કક્ષાએથી વધુ આવક મેળવે તે જરૂરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે જામનગર મહાનગરપાલિકાને દર માસે ફક્ત પગાર અને પેન્શનની રકમ ચૂકવવા માટે જ આશરે ૧ર કરોડના નાણાની જરૂરિયાત રહે છે. તેની સામે પ્રતિ માસ ઓકટ્રોય વળતર ગ્રાન્ટ પેટે રૂપિયા ત્રણ કરોડની રકમ સરકાર તરફથી મળે છે. બાકીના ખર્ચ માટે સ્વભંડોળની આવક ઊભી કરવાની રહે છે.
જેમાં પાણી વેરો, મિલકત વેરો, વ્યવસાય વેરો, દુકાન વેરો, વગેરેની આવકનો સમાવેશ થાય છે, જો કે આ તમામ આવક એકઠી કરતા પણ નાણા ખૂટતા રહે છે.
જામનગર મહાનગરપાલિકાનું પાણી વેરાનું લગભગ ૧૦૦ કરોડનું લેણું છે. તો મિલકત વેરાના પણ લગભગ ૧૩૬ કરોડ લેણા બાકીછે. હવે આ બાકી લેણાની કડક વસૂલાત કરી નાણા એકઠા કરવામાં આવે તો વિકાસ કાર્યોને વેગ મળી શકે તેમ છે. ત્યારે હવે મુખ્યમંત્રીની ટકોર પછી વેરા વસૂલાત ઝુંબેશ વધુ કડક કરવામાં આવે તેમ જણાય છે, જો કે મિલકત વેરા વસૂલાત ઝુંબેશ પૂર જોશમાં ચાલી રહી છે અને વેરો નહીં ભરપાઈ કરનારાઓની મિલકતો સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, પરંતુ પાણી વેરા વસૂલાત ઝુંબેશ નહીવત પ્રમાણમાં ચાલી રહી છે. જેને વધુ સઘન બનાવવી પડશે