નવરાત્રી એટલે ગીત, સંગીત, નૃત્ય અને શકિત ઉપાસનાનો મહાપર્વ નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ થઈ ચૂકયો છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે જ શહેરનાં પ્રાચીન તેમજ અર્વાચીન રાસોત્સવમાં રાસ ગરબાના રંગો ઘૂંટાયા હતા પ્રથમ દિને જ ઠેર ઠેર રાસના મેદાનોમાં ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી હતી પ્રથમ નોરતે જગદંબાની આરતી ઉતારી ઠેર ઠેર મધરાત સુધી ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા.
વિશેષ વાત કરીએ તો આદ્યશકિતની આરાધનાના પ્રથમ દિને છેલ્લા પાંચ વર્ષથી રાજકોટના રાસ રસીયા માટે રાસોત્સવનું જાજરમાન આયોજન કરતા ‘અબતક’ રજવાડી રાસ મહોત્સવમાં શકિતની ભકિતના માહોલ વચ્ચે યુવા ખેલૈયાઓ મનમૂકીને ઝૂમ્યા હતા હિન્દુ સંસ્કૃતિની પ્રાચીન પરંપરા મુજબ આયોજીત ‘અબતક’ રજવાડી રાસ મહોત્સવમાં પહેલા નોરતે જ ખેલૈયાઓએ ભાનભૂલીને ઉત્સાહ સાથે ગરબે ધૂમ્યા હતા પ્રથમ દિવસે જગદંબાની આરાધના અને આરતીથી રાસોત્સવનું ઉદઘાટન થયું હતુ આરતી બાદ અંદાજીત ૧૫૦૦થી પણ વધુ ખેલૈયાઓ ‘અબતક’ રજવાડી રાસોત્સવમાં આનંદ અને ઉત્સાહ સાથે જોડાયા હતા. મધરાત સુધી યુવાધને ગરબાની મોજ માણી હતી. પ્રથમ દિને જ શ્રેષ્ઠ પરિધાન તેમજ ઉતમ ખેલૈયાઓને ઈનામોની નવાજવામાં આવ્યા હતા.
આજે બીજા નોરતે પણ ‘અબતક’ રજવાડી રાસ મહોત્સવમાં એટલો જ ઉત્સાહ જોવા મળ્યો છે ‘અબતક’ રજવાડી રાસ મહોત્સવમાં આજે ખાસ ગુજરાતનાં મુખ્યમંત્રી અને આપણા રાજકોટનાં લોક લાડીલા શ્રી વિજયભાઈ રૂપાણી મોંઘેરા મહેમાન બન્યા છે. આજે બીજા નોરતાના પાવન દિવસે વિજયભાઈ ‘અબતક’ રજવાડી રાસમહોત્સવમાં અંબાની આરતી ઉતારી ઉપસ્થિત ખેલૈયાઓને ઉત્સાહ વધાર્યો છે. મુખ્યમંત્રીના આગમન પ્રસંગે ‘અબતક’ રજવાડી રાસ મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બીજા નોરતે પણ ખેલૈયાઓને લાખેણા ઈનામોથી નવાજવામાં આવશે પ્રથમ નોરતાના પ્રિન્સ-પ્રિન્સેસને આજે ઈનામો અપાશે. ઉપરાંત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિ આયોજકો અને ખેલૈયાઓના ઉત્સાહ આજે બમણો થયો છે.