છ વખત મુખ્યમંત્રી બનેલા વિરભદ્રના પરિવારજનો ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ
ચૂંટણીપંચે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જાહેર કર્યાની સાથે જ કોંગ્રેસના ગઢમાં ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના કોંગી મુખ્યમંત્રી વિરભદ્રસિંહના ભાભી જયોતી સેન અને અન્ય સગા-સબંધી ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગી મુખ્યમંત્રીના સબંધીઓ ભાજપમાં જોડાઈ જતા હિમાચલ પ્રદેશમાં રાજકીય ભૂકંપ આવ્યો છે.
મુખ્યમંત્રી વિરભદ્રના અન્ય સબંધી વિર વિક્રમ સેન તથા પૃથ્વી વિક્રમ સેન પણ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. ગઈકાલે હિમાચલ પ્રદેશના ભાજપ નિરીક્ષક મંગલ પાંડેની ઉપસ્થિતિમાં તમામ લોકોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. વિરભદ્રસિંહ હિમાચલ પ્રદેશના છ વખત મુખ્યમંત્રી બની ચૂકયા છે. તેમને તાજેતરમાં રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. વિરભદ્રસિંહ ફરીથી હિમાચલના મુખ્યમંત્રી બનશે તેવી કોંગ્રેસ હાઈકમાન્ડને આશા છે.
ઓગષ્ટ મહિનામાં વિરભદ્રસિંહ સામે બળવો થયો હતો ત્યારે સત્તા ટકાવી રાખવી તેમના માટે મુશ્કેલ બની ગઈ હતી. ગઈકાલે ચૂંટણીપંચે ચૂંટણીની જાહેરાત કર્યાની સાથે ફરીથી તેમના પરિવારમાં જ બળવો થયો છે અને ભાભી સહિતના અનેક પરિવારજનો ભાજપમાં જોડાઈ ગયા છે.
હિમાચલ પ્રદેશમાં ૯ નવેમ્બરે મતદાન થવાનું છે. અલબત હિમાચલવાસીઓને છેક ૧૮ ડિસેમ્બર સુધી પરિણામની રાહ જોવી પડશે. આ સાથે ૧૮ ડિસેમ્બર પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન સંપન્ન કરી દેવામાં આવશે. એક રાજયની મતદાનની પેટર્નની બીજા રાજયમાં મતદાન પર અસર ન પડે તે માટે આ પ્રકારે ચૂંટણીની તારીખ રાખવામાં આવી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ ૭મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ પુરો થઈ રહ્યો છે. હિમાચલમાં ચૂંટણી માટે જાહેરનામુ ૨૩ ઓકટોબરે બહાર પડશે. ત્યારથી ચૂંટણી પ્રક્રિયા શ‚ થશે. ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરી શકશે. ૨૪ ઓકટોબરે સ્ક્રુટીની થશે અને ઉમેદવારી પત્રો પાછુ ખેંચવાની અંતિમ તારીખ ૨૬ ઓકટોબર જાહેર કરાઈ છે.
ગોવા પછી હિમાચલ પ્રદેશ દેશનું બીજુ રાજય બનશે જયાં ૧૦૦ ટકા વીવીપીએટીની મદદથી મતદાન થશે. હિમાચલમાં તમામ ૭૫૨૧ મતદાન મથકો પર ઈલેકટ્રીક વોટીંગ મશીન સાથે પેપર ટ્રાયલ મશીન પણ રહેશે. ચૂંટણીપંચ હિમાચલમાં એક નવો જ પ્રયોગ કરવા જઈ રહ્યું છે. રાજયમાં ૧૩૬ મતદાન મથકો સંપૂર્ણપણે મહિલા સંચાલીત રહેશે. દરેક બેઠક પર ૨ મહિલાઓ હશે.