બ્લેકમેઈલીંગનો આરોપ ધરાવતા જામીન પર છૂટેલા વરિષ્ઠ પત્રકારની સલાહકાર તરીકે થયેલી વરણીથી ભાજપને નવો રાજકીય મુદ્દો મળ્યો

તાજેતરમાં વરાયેલી છત્તીસગઢની ભૂપેશ બધેલ સરકારે ગઈકાલે એક મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં ગત વર્ષે સેકસ સીડીમાં સંડોવાયેલા વરિષ્ઠ પત્રકાર વિનોદ વર્માને મુખ્યમંત્રીના રાજકીય સલાહકાર તરીકે નિમણુંક આપવામાં આવી છે. રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ મુખ્યમંત્રીના નવા વરાયેલા ચાર સલાહકારોમાં વર્મા એક છે. જયારે એક હિન્દી દૈનિક પત્રના તંત્રી રૂચિર ગર્ગ કે જેઓ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા તેમનું પણ નામ મુખ્યમંત્રીના મીડીયાસલાહકાર તરીકે મૂકવામાં આવ્યું છે. જયારે પ્રદીપ શર્માને પ્લાનીંગ નીતિ અને એગ્રીકલ્ચર અને ગ્રામ્ય વિકાસ વિભાગના સલાહકાર તરીકે જયારે રાજેશ તિવારીને બધેલના સંસદીય સલાહકાર તરીકે નિમણુંક આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બધેલની નજીક ગણાતા વિનોદ વર્મા ઓકટોબર ૨૦૧૭માં ગાઝીયાબાદમાં પકડાયા હતા તેમની સામે ભાજપના નેતા પ્રકાશ બજાજને સેકસ સીડીના મુદે બ્લેકમેઈલીંગ અને ખંડણી ઉઘરાવવાની ફરિયાદ રાયપૂર પોલીસમાં નોંધાઈ હતી. આ ફરિયાદમાં બજાજે એવો દાવો કર્યો હતો કે અજાણ્યા નંબરમાંથી ફોન કરી તેમની સેકસ સીડી   મુદે ધમકાવવામાં આવી રહ્યા છે જે બાદ પોલીસે વર્મા ઘરે કરેલી રેડમાં ૫૦૦ સીડી અને કેટલીક પેન ડ્રાઈવ મળી આવી હતી.

વર્માની ધરપકડ બાદ તેમની પાસેથી પીડબલ્યુડીમાંથી રાજેશ મુણાંતની સેકસ સીડી પણ મળી આવી હતી.જોકે મુણાંતે આ સીડી ખોટી હોવાની દાવો કરી બધેલની વિરૂધ્ધમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

તત્કાલીન ભાજપ સરકારની સલાહ પરથી સીબીઆઈએ આ બંને કેસોની તપાસ હાથ ધરી હતી. આ કેસમાં જેલવાસ થયેલ વિનોદ વર્મા સામે પોલીસ ૬૦ દિવસ ચાર્જશીટ રજૂ કરવામાં નિષ્ફળ જતા જામીન પર છૂટકારો થયો હતો. જેને હવે મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમાતા રાજકીય વર્તુળોમા ચર્ચાનો વિષય બન્યો છે. અને બધેલ સામે નવો રાજકીય મુદો મળી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.