રાજ્યમાં કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને  સહાય માટેની રૂ.1000 લાખની યોજના હેઠળ આર્થિક સહાયનું વિતરણ

અબતક, સંજય ડાંગર ધ્રોલ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આગામી તા.1લી સપ્ટેમ્બરના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી ખેડૂત હિતલક્ષી અનેક પ્રકલ્પો તથા સહાય વિતરણના કાર્યક્રમો યોજાશે તેમ  કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતુ.

કૃષિમંત્રી એ કહ્યું હતું કે, ખેડૂતોને નવીનતમ ટેકનોલોજીનો લાભ મળી રહે તે હેતુથી રાજ્યમાં સાબરકાંઠા, ગીર-સોમનાથ, કચ્છ, મહેસાણા, વલસાડ અને આણંદ એમ કુલ છ સેન્ટર ઓફ એક્સેલેન્સ કાર્યરત છે. રાજ્યમાં પોરબંદર, અરવલ્લી, પંચમહાલ અને નર્મદા ખાતે વધુ નવા ચાર સેન્ટર ઓફ એક્સેલેન્સ આકાર લઈ રહ્યા છે જ્યારે અમદાવાદ, ખેડા અને જામનગર ખાતે કુલ રૂ. 3116 લાખના ખર્ચે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ ઉભા કરવામાં આવી રહ્યા છે.

આ સેન્ટરો ખાતે નવીન તકનિકો માટે નિદર્શન એકમો, રક્ષિત ખેતીના એકમો જેમ કે પોલી હાઉસ-નેટ હાઉસ-પ્લગ નર્સરી વિગેરે, તાલીમ ભવન અને વહીવટી સંકુલ, પેક હાઉસ, કોલ્ડ ચેઇનને લગત એકમો તથા માતૃ બ્લોક અને હાઇટેક નર્સરી જેવા એકમો ઉપલબ્ધ હશે અને ખેડૂતો લાભાન્વિત બનશે.

કૃષિમંત્રીએ ઉમેર્યું કે, તેમજ વિશ્વ સ્તરીય ખેત પેદાશો તેમજ પ્રોસેસ્ડ પ્રોડક્ટની માંગને પહોંચી વળવા બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એફપીઓને માળખાકીય સુવિધા પૂરી પાડવા રૂ. 2500 લાખના ખર્ચે બનાસકાંઠા, કચ્છ, જામનગર, નવસારી અને પંચમહાલ એમ કુલ પાંચ જિલ્લામાં પ્રાયમરી પ્રોસેસીંગ યુનિટ ઉભા કરવામાં આવી રહ્યા છે. કૃષિમંત્રીએ વધુમાં ઉમેર્યું કે,રાજ્યમાં કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)નું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂ.3,00,000 તથા અનુ.જન.જાતિ અને અનુ.જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ રૂ 4,50,000ની સહાય આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.