વિદ્યાર્થી-બાળકમાં કોન્ફિડન્સ બિલ્ટ અપ કરી ઉજ્જવળ ભાવિની છલાંગ લગાવવાનું પ્રોત્સાહન શિક્ષકો જ નોબેલ પ્રોફેશનથી આપી શકે: વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધોરણ ૬ થી ૮ ના પ્રિય વિદ્યાર્થીઓમાં લેખન, ગણન, વાંચનમાં ઉપચારાત્મક વૃદ્ધિ માટે રાજ્યના શિક્ષકોને મિશન વિદ્યા અભિયાનને મિશન મોડમાં ઉપાડી લેવા આહવાન કર્યું છે.
રાજ્યમાં આગામી ર૬ જૂલાઇથી ૧ મહિના માટે શરૂ થઇ રહેલા મિશન વિદ્યાના પ્રારંભ પૂર્વે શિક્ષક સજ્જતા અંગે મુખ્યમંત્રીએ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિડીયો કોન્ફરન્સ યોજી માર્ગદર્શન આપ્યું હતું. બાયસેગ સેટેલાઇટ માધ્યમથી રર હજાર કેન્દ્રો પર ઉપસ્થિત ૭૦ હજાર શિક્ષકોએ મુખ્યમંત્રીનું આ માર્ગદર્શન મેળવ્યું હતું.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાત હરેક ક્ષેત્રોમાં અગ્રેસર છે ત્યારે શિક્ષણમાં પણ અવ્વલ બનાવવાની પ્રતિબદ્ધતાના સામૂહિક ચિંતનમાંથી આ મિશન વિદ્યા ઉપાડયું છે.
તેમણે ઉમેર્યું કે, ગુણોત્સવના અભિયાનથી શાળાના બાળકોના શિક્ષણની ગુણવત્તામાં ઉલ્લેખનીય સુધાર આવ્યો છે, પરંતુ ધોરણ ૬ થી ૮ માં હજુ પણ એવા બાળકો છે જેમની લેખન, ગણન, વાંચનની ક્ષમતામાં વૃધ્ધિ કરવાની વિશેષ આવશ્યકતા છે.
આવાં બાળકોને પ્રિય બાળકો તરીકે ઉલ્લેખીને મુખ્યમંત્રીએ ઉમેર્યું કે રાજ્યનું ધોરણ ૬ થી ૮નું એક પણ બાળક નબળું ન રહે અને ભવિષ્યની પેઢીનું શિક્ષણ ઘડતર અત્યારથી જ સુદ્રઢ બને તે માટે શિક્ષકના નોબેલ પ્રોફેશનની ગરિમા શિક્ષકોએ આવાં બાળકોની વિશેષ કાળજી લઇને ઉજાળવાની છે. તેમણે કહ્યું કે, રાજ્યના શિક્ષકોની કવોલિટી સારી છે. એટલું જ નહિ, રૂ.ર૭પ૦૦ કરોડના માતબર બજેટ સાથે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ સુવિધાઓ, અદ્યતન સાધનો સરકારે ઉપલબ્ધ કરાવ્યા છે. આ બધાના સુચારૂ વિનિયોગ અને શિક્ષકોના સમાજદાયિત્વ ભાવથી શાળાએ આવતું દરેક બાળક પોતાનું છે એવો ભાવ દર્શાવી શિક્ષણક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવાની સૌની સહિયારી જવાબદારી છે.
મુખ્યમંત્રીએ શિક્ષક સમૂદાયને પ્રેરણા આપતા કહ્યું કે, મિશન વિદ્યાના આ અભિયાનમાં શિક્ષકોના ભરોસે આપણે સફળતા મેળવવાનો નિર્ધાર કર્યો છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતના શિક્ષકોએ ઇનોવેશન પણ કર્યુ છે ત્યારે ભવિષ્યની સક્ષમ પેઢીના નિર્માણમાં આ અભિયાનમાં શિક્ષક સમુદાય પાછો નહિ જ પડે તેનો તેમને વિશ્વાસ છે.
વિદ્યાર્થી-બાળકમાં કોન્ફીડન્સ બિલ્ટ અપ કરી તેને ઉજ્જવળ ભવિષ્યની છલાંગ લગાવવાનું પ્રોત્સાહન-પ્રેરણા શિક્ષક જ આપી શકે તે દ્રષ્ટાંત સહ તેમણે સમજાવ્યું હતું.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવના અભિયાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇની પ્રેરણાથી ગુજરાતે શાળાઓમાં ૭પ ટકાથી ૧૦૦ ટકા નામાંકન અને ડ્રોપ આઉટ ૩૭ ટકાથી ૩ ટકાએ પહોચાડયો છે.
તેમણે ગુણોત્સવથી બાળકોના શિક્ષણ સ્તરમાં જે સુધારો આવ્યો છે અને અ પ્લસ ગ્રેડની શાળાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે તેની ભૂમિકા આપતાં શિક્ષકોને હવે મિશન વિદ્યામાં પણ એ જ ઇન્વોલમેન્ટ અને કમિટમેન્ટથી જોડાવા હ્રદયસ્પર્શી અપિલ કરી હતી.
ભૂપેન્દ્રસિંહજીએ સ્પષ્ટપણે જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રે હજુ પણ જે ખૂટે છે તે સ્વીકારીને તે ત્રૂટીને દૂર કરવાની પારદર્શી સંકલ્પબધ્ધતા વિજયભાઇ રૂપાણીની આ સરકારની છે.
શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે, મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા, સચિવ વિનોદ રાવ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર સહિત શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ કોન્ફરન્સ સંવાદમાં જોડાયા હતા.