તમામ રિપોર્ટ નોર્મલ: કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે રેમડેસીવીર ઇન્જેકશન અપાયું
ગત રવિવારે વડોદરામાં ચૂંટણી સભા સંબોધતી વેળાએ સ્ટેજ પર જ ઢળી પઢ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. મુખ્યમંત્રીની તબીયત સતત સુધારા પર હોવાનું આજે હેલ્થ બુલેટીનમાં જાહેર કરવામાં આવ્યું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે તેમને રેમડેસીવીર ઈંજેકશન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના અંગત મદદનીશ શૈલેશભાઈ માંડવીયાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેઓ પણ હાલ સારવાર હેઠળ છે.
સતત ચૂંટણી પ્રચાર અને કામના ભારણના કારણે રવિવારે વડોદરામાં એક ચૂંટણી સભા સંબોધતી વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જ્યાં તેને સારવાર અપાયા બાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે તેઓનો આરટીપીસીઆર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, અન્ય તમામ રિપોર્ટ નોર્મલ હોય તેઓની તબીયતમાં સતત સુધારો થઈ રહ્યો હોવાનું તબીબો જણાવી રહ્યાં છે. મહેતા હોસ્પિટલમાં સીનીયર ડોકટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે તેમને રેમડેસીવીર ઈંજેકશન આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીને 8 થી 10 દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવશે અને કુલ 14 દિવસ તેઓ ક્વોરન્ટાઈન રહેશે એટલે મહાપાલિકા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર કરી શકશે નહીં. રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા પણ આવી શકશે નહીં. તેમનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ ભગવાનને પ્રાર્થના કરી ટવીટ ટવીટર પર મુકી હતી. વિજયભાઈની તબીયતમાં સતત સુધારો આવી રહ્યો હોય કાર્યકરોમાં હાશકારાની લાગણી જોવા મળી રહી છે.