કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી પરસોતમભાઈ રૂપાલાના હસ્તે કરાશે કાર્યાલયનો આરંભ
૬૯ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ચુંટણી મધ્યસ્થ કાર્યાલયનું આજે સાંજે ૬ કલાકે ઉદઘાટન કરવામાં આવશે. આ તકે અમદાવાદના સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ તથા ભારત સરકારના કૃષિ રાજયમંત્રી પરસોતમભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહેશે.
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્ષચેન્જ ખાતે રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિજયભાઈ રૂપાણી ચૂંટણી લડી રહ્યા છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના અધ્યક્ષ સ્થાને યોજાનારા કાર્યાલય ઉદઘાટન સમારોહમાં કેન્દ્ર સરકારના કૃષિ રાજય મંત્રી પરસોતમભાઈ રૂપાલાના હસ્તે કાર્યાલયનું ઉદઘાટન આજે સાંજે ૬:૦૦ કલાકે કરવામાં આવશે. આ તકે ભાજપના કાર્યકરો, સમર્થકો અને શહેરીજનોને ઉમટી પડવા શહેર ભાજપ મહામંત્રી અને વિધાનસભા ૬૯ના ચૂંટણી ઈન્ચાર્જ દેવાંગભાઈ માંકડ નિમંત્રણ પાઠવ્યું છે.
પ્રથમ તબકકાની ચૂંટણીમાં ૯મી ડિસેમ્બરના રોજ રાજકોટની ચારેય બેઠકો માટે મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપે ચારેય બેઠકો પર ફતેહ હાંસલ કરવાના બુલંદ ઈરાદા સાથે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. વિજયભાઈ રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માટે ૬૯ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકના મતદારોમાં સ્વયંભૂ જુવાળ જોવા મળી રહ્યો છે.