રાજકોટ ખાતે આઈ-વે પ્રોજેકટનું લોકાર્પણ સહિતના અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે: રાત્રી રોકાણ પણ માદરે વતનમાં
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આજે સવારે રાજકોટમાં આગમન થઈ ચૂકયું છે. તેઓ આજે દિવસ દરમિયાન અનેક પ્રોજેકટનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. રાત્રે તેઓ પ્રાચીન અને અર્વાચિન રાસોત્સવમાં હાજરી આપશે. રાત્રી રોકાણ પણ રાજકોટ ખાતે કરશે. સવારે તેઓ રાજકોટથી સીધા વડોદરા જવા રવાના થશે.
આજે સવારે મુખ્યમંત્રીએ રાજકોટમાં આગમન કર્યા બાદ સૌપ્રથમ શાપર-વેરાવળ ખાતે રોડનું લોકાર્પણ કર્યા બાદ તેઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. ૧૧ કલાકે નાના મવા રોડ ખાતે આવેલા મલ્ટી પર્પઝ એક્ટિવીટી સેન્ટરમાં રાજકોટ આઈ-વે પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરા પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી પ્રોજેકટ અંતર્ગત મુલાકાત લીધી હતી. તમામ કાર્યક્રમોનું ડાયેસ્ટ ફંકશન બપોરે ૧૧:૫૦ કલાકે શહેરના ટાગોર રોડ સ્થિત હેમુ ગઢવી હોલ ખાતે યોજાયું હતું.
મુખ્યમંત્રીના હસ્તે બપોરે ૧ કલાકે કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ હોલ ખાતે જિલ્લાના સીનીયર સીટીઝનોને સાધન સહાય વિતરણ કરવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. મહાપાલિકા દ્વારા રૂ.૯.૫૭ કરોડના ખર્ચે વોર્ડ નં.૧૦માં યુનિવર્સિટી રોડ પર એસએનકે સ્કુલ પાસે કોમ્યુનિટી હોલ અને મલ્ટી એક્ટિવીટી હોલનું નિર્માણ કરવાના છે. જેનું ખાતમુહૂર્ત આજે બપોરે ૪ કલાકે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. રાજકોટ મુલાકાત દરમિયાન આજે બીજા નોરતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શહેરમાં અલગ અલગ આશરે એક ડઝનથી પણ વધુ રાસોત્સવમાં હાજરી આપી માં જગદંબાની આરતી ઉતારી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે. મુખ્યમંત્રી આજે રાત્રી રોકાણ પણ રાજકોટ ખાતે કરશે. કાલે સવારે તે રાજકોટથી સીધા વડોદરા જવા રવાના થશે.