કેમ્પમાં આવાસ યોજનાનાં લાભાર્થીઓ, દિવ્યાંગો સહિતનાઓને જોડાશે: મેયર સહિતનાં પદાધિકારીઓની જાહેરાત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ૬૩માં જન્મદિવસે આગામી ૨ ઓગસ્ટનાં રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા માં વાત્સલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત આજે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ અને આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટનાં પનોતા પુત્ર અને ગુજરાતનાં ગૌરવ એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આગામી ૨જી ઓગસ્ટનાં રોજ ૬૩મો જન્મદિવસ છે ત્યારે મહાપાલિકા દ્વારા મેગા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત માં વાત્સલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જુદી-જુદી આવાસ યોજનાનાં લાભાર્થી, ચારણ, ગઢવી સમાજ, બાંધકામ શ્રમિકો, પ્રજાપતિ સમાજ, સમસ્ત કડવા પટેલ સમાજ, વાલ્મિકી સમાજ, સફાઇ કામદાર તથા દિવ્યાંગ પરીવારનાં લોકોને જોડવામાં આવશે. માં અમૃતમ અને માં વાત્સલ્ય યોજનામાં ૫ લાખ સુધીની સારવાર મફત આપવામાં આવે છે. સરકારનાં નિયમ મુજબ જે પરીવારની વાર્ષિક આવક રૂ.૪ લાખ સુધીની હોય તેવા પરિવારને માં વાત્સલ્ય કાર્ડ કાઢી આપવામાં આવે છે.
જેમાં હૃદય રોગની ગંભીર બિમારી, કિડનીનાં રોગ, મગજની બિમારી, અકસ્માતનાં કારણે થયેલી ગંભીર ઈજા, નવજાત શીશુઓનાં ગંભીર રોગ, કેન્સર, કિડની ટ્રાન્સ પ્લાન્ટ, લીવર ટ્રાન્સ પ્લાન્ટ સહિતની અલગ-અલગ ૬૯૮ જેટલી બિમારીઓની સારવાર શહેરની ખાનગી અને સરકારી સહિત ૪૦ હોસ્પિટલોમાં વિનામુલ્યે આપવામાં આવે છે. આ યોજનાનો છેવાડાનાં નાગરિકને મળે તે માટે કોર્પોરેશન દ્વારા આગામી ૨જી ઓગસ્ટે મુખ્યમંત્રીનાં ૬૩માં જન્મદિવસે મેગા માં વાત્સલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.