મહાપાલિકાની ચૂંટણીના પ્રચાર-પ્રસારનું છેલ્લા અઠવાડીયામાં હવે તમામ રાજકીય પક્ષો સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારશે: કાલે મુખ્યમંત્રીની જામનગરમાં ચૂંટણી સભા: ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી માટે હવે પ્રચાર-પ્રસાર માટે અંતિમ એક સપ્તાહ જ બાકી રહ્યું છે ત્યારે ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારશે. ગઈકાલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવાયા બાદ આજથી પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી જશે. આજે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાવનગરમાં અલગ અલગ બે સ્થળોએ ચૂંટણી સભા સંબોધશે. આવતા સપ્તાહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના જણાય રહી છે.
મહાપાલિકાની ચૂંટણીના મતદાનને આડે હવે ગણીને નવ દિવસનો સમયગાળો બાકી રહ્યો છે. છતાં એક પણ સ્થળે ચૂંટણીલક્ષી માહોલ જોવા મળતો નથી. મતદારો પોતાનું મન કળવા દેતા નથી. આજથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવશે. ગઈકાલે સુરત ખાતે સી.આર.પાટીલે અલગ અલગ બે સ્થળોએ ચૂંટણી સભા સંબોધી હતી અને વિરોધ પક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. દરમિયાન આજે સાંજે ૭:૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચશે. જ્યાં જિલ્લા અને શહેરના સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો અને સંસદ સભ્યો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવશે. ૭:૪૫ કલાકે મુખ્યમંત્રી બોળતળાવ (બાલવાટીકા) ખાતે એક ચૂંટણી સભા સંબોધશે. ત્યારબાદ ૮:૩૦ કલાકે શિવાજી સર્કલ (ઘોઘા જકાતનાકા) ખાતે ચૂંટણી સભાને સંબોધશે અને ભાજપના ઉમેદવારોને મત આપવા માટે મતદારોને આહવાન કરશે. આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચાંદી બજાર ખાતે ચૂંટણી સભાને સંબોધવાના હોવાનો જાણવા મળી રહ્યું છે.
હવે ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે માત્ર એક જ સપ્તાહનો સમયગાળો બચ્યો છે ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવશે. આવતા સપ્તાહે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, આપના ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર માટે રાજકોટ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
ગઈકાલે સી.આર.પાટીલે સુરતમાં બે અલગ અલગ ચૂંટણીસભા સંબોધી હતી અને વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. સ્ટાર પ્રચારકોને ચૂંટણીસભા બાદ હવે રાજ્યભરમાં ચૂંટણીલક્ષી માહોલ બરાબર જામે તેવું લાગી રહ્યું છે.
ભાજપના ઉમેદવારોએ શુભ વિજય મુહૂર્તે ભર્યા ફોર્મ
અમુક બેઠકો માટે ખેંચતાણ ચાલુ હોય કાલે છેલ્લી ઘડીએ ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટશે
રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકા માટે આગામી ૨૮મી ફેબ્રૂઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે. જેના માટે ગત સોમવારે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આવતીકાલે બપોરે ૩ વાગ્યા સુધીમાં ઉમેદવારો ફોર્મ ભરી શકશે. દરમિયાન ગઈકાલથી ભાજપ તબક્કાવાર પોતાના ઉમેદવારના નામની ઘોષણા કરી દેવામાં આવી હતી. આજે બપોરે ૧૨ કલાક અને ૩૯ મીનીટે શુભ વિજય મુહૂર્તે અલગ અલગ મથકોએ ઉમેદવારોએ વિજય વિશ્ર્વાસ સાથે ફોર્મ ભર્યા હતા. અનેક પંચાયત અને તાલુકામાં એક-બે બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કરવામાં ભારે ખેંચતાણ ચાલી રહી હોય આ બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા નથી આવતીકાલે અંતિમ દિવસે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કે સામાપક્ષે કોંગ્રેસ દ્વારા હજુ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી તેઓ સિદ્ધા મેન્ડેટ આપે તેવી સંભાવના જણાય રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો નક્કી કરવા માટે ચાર દિવસ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં ચર્ચા વિચારણા કર્યા બાદ ગઈકાલથી ઉમેદવારોના નામની તબક્કાવાર જાહેરાત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા કાર્યકરની સંખ્યા વધુ માત્રામાં હોવાના કારણે ભાજપમાં થોડા ઘણા અંશે નારાજગી જોવા મળી રહી છે. જે ઉમેદવારોના નામો જાહેર થયા છે. તેઓએ આજે બપોરે ૧૨ કલાકે ૩૯ મીનીટના શુભ વિજય મુહૂર્તે પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા હતા. કેટલીક બેઠકો માટે હજુ ભાજપ ઉમેદવારોના નામની ઘોષણા કરી શક્યું નથી અને આવી બેઠકો માટે પક્ષમાં જબરી ખેંચતાણ ચાલી રહી છે. આજ સાંજ સુધીમાં જે બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી
નથી તે માટે ઉમેદવારો સત્તાવાર જાહેર કરી દેવામાં આવશે. આવતીકાલે અંતિમ દિવસે ઉમેદવારો ફોર્મ ભરે તેવી સંભાવના જણાય રહી છે. બીજી તરફ છ મહાપાલિકાની માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરાયા બાદ કોંગ્રેસમાં ઘમાસાણ મચી ગયું હતું જેના કારણે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે છેલ્લી ઘડી સુધી ભારે ખેંચતાણ ચાલી હતી. અમુક બેઠકો માટે તો ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા નહોતા. માત્ર ફોન કરીને જ ફોર્મ ભરવા આદેશ આપી દેવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસમાં વધુ કકળાટની ભીતિ દેખાઈ ગઈ છે. જેના કારણે કોંગ્રેસે હાલ ઉમેદવારોના નામની જાહેરાત કરવાને બદલે ડાયરેકટ મેન્ડેટ આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.