૬૪ હજારથી વધુ લોકો કલીન રાજકોટ, હેલ્ધી રાજકોટ માટે દોડ લગાવશે
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા આવતીકાલે રાજકોટ મેરેથોન-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. કાલે રવિવારે વહેલી સવારે રાજકોટમાં રેસકોર્ષ રીંગ રોડ પર કિડીયા‚ જાણે ઉભરાયું હોય તેવો માહોલ સર્જાશે, માનવમેદની ઉમટી પડશે. ૬૪ હજારથી વધુ સ્પર્ધકો કલીન રાજકોટ અને હેલ્ધી રાજકોટ માટે દોડ લગાવશે. શહેરમાં સતત ત્રીજા વર્ષે યોજાઈ રહેલી મેરેથોન માટે શહેરીજનોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ૪:૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ મેરેથોન-૨૦૧૮ને ફલેગ ઓફ આપશે.
મહાપાલિકા અને શહેર પોલીસ આયોજીત મેરેથોનમાં અલગ-અલગ પાંચ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેરેથોનમાં કુલ ૬૪ હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. ૪૨ કિલોમીટર, ૨૧ કિલોમીટર, ૧૦ કિલોમીટર, ૫ કિલોમીટર અને ૧ કિલોમીટર એમ અલગ-અલગ પાંચ કેટેગરી માટે દોડ યોજાશે. મેરેથોનમાં ભાગ લેવા માટે ૧૫થી વધુ વિદેશી સ્પર્ધકોનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. કાલે સવારે ૪:૩૦ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં રાજકોટ મેરેથોન-૨૦૧૮ને ફલેગ ઓફ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આપવામાં આવશે. મેરેથોનને લઈ શહેરના અનેક રાજમાર્ગોને કાલે સવારે ૧૧:૦૦ કલાક સુધી ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે મેરેથોનના રૂટ પર ૯૧થી વધુ ચીયરીંગ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. મેરેથોનમાં ભલે ૬૪ હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હોય પણ આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા માટે લાખો લોકો ઉમટી પડે છે. સામાન્ય રીતે રવિવારના દિવસે રેસકોર્સ રીંગ રોડ પર સાંજના સમયે માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે પરંતુ કાલે રાજકોટ મેરેથોન ૨૦૧૮ના પગલે સવારથી રેસકોર્સ રીંગ રોડ પર જન સમુદાયઉમટી પડશે. ગતવર્ષ કરતા આ વર્ષે ૧ હજારથી વધુ લોકોએ મેરેથોન માટે વધારે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હાલ મેરેથોનની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યા છે. આ સ્પર્ધામાં વિજેતા બનનારને ૨૪ લાખથી વધુના ઈનામો પણ એનાયત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬માં રાજકોટમાં પ્રથમવાર હાફ મેરેથોન યોજાઈ હતી. જેને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ ગત વર્ષે મહાપાલિકા દ્વારા ૪૩ કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. સતત બીજા વર્ષે યોજાનારી ફુલ મેરેથોન માટે શહેરીજનોમાં સ્વયંભુ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.