મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કરાયા તળાવ ઊડું કરવાના શ્રમદાન કાર્યક્રમમાં હાજરી આપશે
રૂ.૧૧૬ કરોડની વાપી પાણી પુરવઠા યોજનાનું કરાયા ખાતે તખ્તી અનાવરણ કરી ભુમિપૂજન કરશે :
રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે તા.૨૭/પ/૧૮ ના રોજ વલસાડ જિલ્લા પ્રવાસે આવી રહયા છે. મુખ્યમંત્રીશ્રી સવારે ૯ વાગે કરાયા ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ કરાયા તા.વાપી ગામે તળાવ ઊડું કરવાના શ્રમદાન કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ રૂ.૧૧૬ કરોડના ખર્ચે વાપી તાલુકાની પાણી પુરવઠા યોજનાનું કરાયા ખાતે તખ્તી અનાવરણ કરી ભુમિપૂજન કરશે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે શ્રમિકોને છાસ-સુખડી વિતરણનું પણ આયોજન છે.
વાપી તાલુકાના કરાયા ગામે હયાત તળાવમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ લોકભાગીદારી વડે ઊડું કરવાનું આયોજન થયું છે. પ૦ હજાર કયુબીક મીટર માટી ખોદાણ થકી તળાવની પાણી સંગ્રહ શકિતમાં આશરે ૧૭૬પ મીલીયન કયુબીક મીટરનો વધારો થશે. જેનાથી કરાયા ગામની આશરે પપ હેકટર જમીનને સિંચાઇનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાભ મળશે. ખોદાણથી નીકળેલી માટે ગામના ખેડૂત ખાતેદારો વિનામુલ્યે ખેતરમાં નાંખવા ઉપયોગ કરી શકશે.
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વાપી શહેરની આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારને અડીને આવેલા ૨પ ગામોમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા રૂા.૧૧૬ .૪૨ કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના તૈયાર કરવામાં આવી છે. જેનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાયા ખાતે ભુમિપુજન થશે. દમણગંગા નદીમાંથી પાણી મેળવીને નદી આધારિત વાપી જુથ યોજના દ્વારા તાલુકાની ૨પ ગામોની ૧.૭૦ લાખ વસતિને લાભ થશે. આ યોજનામાં સમાવિષ્ઠ ગામોને ઝોન પ્રમાણે પાણી પુરૂ પાડવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને અનુલક્ષીને વલસાડ કલેકટર શ્રી સી.આર.ખરસાણની રાહબરી હેઠળ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે. કલેકટરે કરાયા ખાતે સ્થળ મુલાકાત કરીને અધિકારીઓને કાર્યક્રમ સંદર્ભે જરૂરી સુચનો પણ કર્યા હતા.
વલસાડ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ઊંડા કરવા, નવા બનાવવા, ડ્રેનેજ સફાઇ, કન્ટુર ટેન્ચ બનાવવાની કામગીરી થઇ રહી છે. રાજય સરકારના આ અભિયાનમાં વલસાડ જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહ પણ જોડાયા છે.
વલસાડ કલેકટરશ્રીના જણાવ્યા અનુસાર જિલ્લામાં રૂા.૧પ.૨૯ કરોડના ખર્ચે ૭પ૨ કામો થઇ રહયા છે. જે પૈકી લોકભાગીદારીથી કુલ ૧૬૦ કામો જેમાં ૧૧૭ તળાવો, ૪૩ ચેકડેમ ડીસીસ્ટીંગ કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટલ કામગીરીના ૪૧ ચેકડેમોની મરામત મનરેગા યોજના હેઠળ ૩૮૦ કામો થઇ રહયા છે. જે પૈકી ૧૨૪ કામો પુર્ણ થયા છે. ૬૪૩ કામો પ્રગતિ હેઠળ છે.
કરાયા ગામના સરપંચ શીતલબેન પટેલ જણાવે છે કે, મુખ્યમંત્રીશ્રીને આવકારવા ગામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ અમારા ગામના તળાવ ઊડું કરવાની મંજુરીના કારણે ગામજનોમાં ખુશી જોવા મળી રહી છે. તળાવ ઊડું થવાથી ગામની સાડાત્રણ હજાર ઉપરાંત વસતિને લાભ મળશે. પીવાનું પાણી અને સિંચાઇનો લાભ પણ મળશે. ગામજનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માને છે.
કરાયા-દેગામના અગ્રણી ઉમેશભાઇ પટેલ કહે છે કે, વર્ષો બાદ તળાવ ઊડું કરવાની કામગીરી થઇ રહી છે, જે સરાહનીય છે. પ્રથમવાર આવું કાર્ય થઇ રહયું છે. અમારા ગામના તળાવમાં પાણી ઘણું ઓછું રહેતું હતું. હવે તળાવ ઊડું થવાના કારણે પાણી વધુ જમા થશે જેનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ ગામજનોને થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com