દેશભરમાં ‘સ્વચ્છતા એજ સેવા’નું અભિયાન ચાલી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદની વી.એસ હોસ્પિટલના પ્રાંગણમાં સ્વયં શ્રમદાન કરીને સફાઈ કરી હતી. તેમણે સૌ નાગરિકોને પોતાના ઘરનું આંગણું સાફ અને ચોખ્ખું રાખીને સ્વચ્છતાથી સ્વસ્થતા માટે પ્રેરિત થવા માટે આહવાન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, મહાત્મા ગાંધી આજીવન સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી રહ્યા અને તેમના આ સંકલ્પને પાર પાડવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ 15 સપ્ટેમ્બરથી આગામી ગાંધી જયંતિ 2 ઓક્ટોબર પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતિ વર્ષે દેશભરમાં સ્વચ્છતા એજ સેવાના ધ્યેય સાથે સફાઈ માટે જન જાગૃતિ જગાવી છે.
તેમણે આગળ કહ્યું કે, આ અભિયાનથી વિશ્વમાં ભારતની છબિ એક સ્વચ્છ અને સ્વસ્થ દેશની બનશે અને ગંદા ગોબરા દેશની જે માન્યતા છે તે દૂર થશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ “ક્લિન ગુજરાતથી હેલ્ધી ગુજરાત”નો મંત્ર આપ્યો હતો.
તેમણે આ અભિયાનમાં સ્વૈચ્છિક સઁસ્થાઓ સામાજિક આગેવાનો મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ અને હરેક નાગરિક દરરોજ સ્વચ્છતા સફાઈ માટે 1 કલાક ફાળવે તો ગુજરાત આગામી ગાંધી જયંતિ પહેલા અવશ્ય સ્વચ્છ સ્વસ્થ રાજ્ય બની જશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો.