ચોમાસા પૂર્વે યુધ્ધના ધોરણે હાથ ધરાયેલું સુજલામ સુફલામ જળસંચય અભિયાન આશીર્વાદ પુરવાર થયું છે
પાણી પહેલાં પાળ બાંધી લેનાર
વરસાદનું ટીપે-ટીપું ધરતીમાની ગોદમાં સંઘરાઈ રહ્યું છે
પાણી પહેલાં પાળ બાંધી લે તે સાચો નેતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ઉક્તિને સો ટકા સાચી ઠેરવી છે. દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન, દીર્ઘદ્રષ્ટિ વાપરીને સુજલામ સુફલામ જળસંચય યોજના ઘડી હતી. મોદીજીના પગલે પગલે ચાલી રહેલા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રીએ આ યોજના યોગ્ય સમયે, યોગ્ય રીતે કાર્યાન્વિત કરીને સાચા અર્થમાં પ્રજાભિમુખ નેતા હોવાની સાબિતી વધુ એકવખત આપી છે.
ગત ઉનાળામાં નર્મદા ડેમ સહિત રાજ્યના મોટાભાગના જળાશયો ખાલી થઇ જતાં ગુજરાતની માથે મંડરાઈ રહેલાં ઘેરા જળસંકટના જોખમમાંથી પ્રજાને ઉગારી લેવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અગમચેતી વાપરી હતી. વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તે હેતુથી, ચોમાસું બેસવાના બે માસ પૂર્વે રાજ્યભરમાં નદી, નાળાં, કૂવા, તળાવની સફાઈ તેમજ ઊંડા ઉતારવાની કામગીરી જબરદસ્ત ઝૂંબેશ તરીકે, યુધ્ધના ધોરણે શરૂ કરાવી દીધી હતી, આજે જ્યારે ગુજરાતની પ્રજા માથેનું જળસંકટ ટળી ગયું છે
ત્યારે જળસંચય અભિયાનની કામગીરી ખરા અર્થમાં નેત્રદીપક પુરવાર થઇ છે. એકતરફ સરકારે વરસાદી જળસંચયની અભૂતપૂર્વ કામગીરી કરી દેખાડી છે તો બીજીતરફ, હાલ, અતિવૃષ્ટિના કારણે પૂરના સંકટમાં ઘેરાયેલા લોકોને ઉગારવા અને સલામત સ્થળે ખસેડવાની બચાવ-રાહતની કામગીરી પણ સરકારે યુધ્ધના ધોરણે ઉપાડી છે લીધી છે અને તેના પર મુખ્યમંત્રી સીધી દેખરેખ રાખી રહ્યા છે. તેમ ભાજપ પક્ષ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.
એક નિવેદનમાં ધ્રુવે જણાવ્યું છે કે, ચોમાસા પૂર્વે રાજ્યના ગામેગામ શરૂ કરાયેલું જળસંચય અભિયાન દેશનું સૌથી મોટું, અનોખું અને અભૂતપૂર્વ જળસંચય અભિયાન હતું. લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દૂરંદેશીભર્યા આયોજન, નિરીક્ષણ તેમજ સીધા માર્ગદર્શન હેઠળના આ મહાઅભિયાનને ગુજરાતભરની પ્રજાએ વધાવી લીધું હતું એટલું જ નહીં, સાચા અર્થમાં રાજ્યના દરેક વર્ગના લોકોએ તન, મન, ધનથી સહયોગ આપ્યો હતો. આજે જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખુબ સારો વરસાદ થયો છે ત્યારે આકાશી જળ વેડફાઈ જવાને બદલે તેનું ટીપે ટીપું ધરતી માતાની ગોદમાં સમાઈ ગયું છે. સરકારનું કોઈપણ કાર્ય વિરાટ જનઆંદોલનમાં પલટાઈ જાય ત્યારે કેવું સુખદ પરિણામ આપે છે તેનું ઉત્તમ અને પરિપક્વ દ્રષ્ટાંત ગુજરાતે દેશ આખાને પૂરું પાડ્યું છે.
ધ્રુવે જણાવ્યું છે કે, દુનિયાભરમાં મીઠા પાણીના સ્ત્રોતો ઝડપભેર ખૂટી રહ્યા છે ત્યારે આજનો સમય પાણીના એક એક ટીપાને ઈશ્વરનો પ્રસાદ ગણવાનો સમયમાં વરસાદી પાણીનો જમીનમાં મહત્તમ સંગ્રહ કરવા અને ભાવિ પેઢીને જળ સમૃધ્ધિનો વારસો આપવાની સહુકોઈની જવાબદારી છે ત્યારે ગુજરાતની પાણીદાર ભાજપ સરકારે આ જવાબદારી સુપેરે નિભાવી છે. જળસંચય અભિયાનને સફળ બનાવીને લોકોએ પણ સક્ષમ અને મજબૂત સમાજ હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુજલામ સુફલામ જળસંચય મહાઅભિયાનમાં સમાજના દાતા-શ્રેષ્ઠીઓ, ધંધાર્થીઓ અને ઉદ્યોગપતિઓએ ઉદાર હાથે આર્થિક સહયોગ આપ્યો હતો;
સ્વૈચ્છિક, સામાજિક,ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ આયોજનમાં સક્રિયપણે સહભાગી થઈ અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સહિત સમાજના દરેક વર્ગના લોકોએ નિ:સ્વાર્થભાવે શ્રમદાન કર્યું હતું. લોકશક્તિના પરસેવાના બુંદ સાથે હવે મેઘરાજાની મહેરનો ધોધ ભળ્યો છે એટલે ગુજરાતભરમાં ઠેર-ઠેર વિરાટ જળરાશી હિલ્લોળા લેતી જોવા મળી રહી છે. સરકારના સંકલ્પબળ, દાતાઓના અર્થબળ અને પ્રજાના શ્રમબળથી આજની આ સુખદ સ્થિતિનું નિર્માણ થયું છે.
જળસંચય અભિયાન હેઠળ, રાજ્યભરમાં નદી, નાળાં, તળાવો, સરોવરો અને કૂવાઓની સફાઈ તેમજ ઊંડા ઉતારવાનો ભગીરથ પુરુષાર્થ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે આ કાર્ય માટે ઉદાર હાથે નાણાકીય ફાળવણી કરી એટલું જ નહિ,ઠેકઠેકાણે ટ્રક, ટ્રેક્ટર, ડમ્પર, જેસીબી સહિતના જરૂરી તમામ સાધન-સરંજામ પૂરાં પાડવામાં કોઈ કસર છોડી નહોતી. આના પરિણામે, ચોમાસામાં ગુજરાતમાં ૧૧૦ કરોડ ઘનફૂટથી વધુ વરસાદી પાણીનો સંગ્રહ થવાનો અંદાજ મૂકાયો હતો પરંતુ, વાસ્તવમાં એથીયે વધુ પાણી સંઘરાશે તેમ અત્યારે જણાઈ રહ્યું છે.
પારસમણીના સ્પર્શ જેવા આ જળસંચય અભિયાન થકી ગુજરાતભરમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં દુષ્કાળ ભૂતકાળની બીના બની જશે. જળસંચય અભિયાન સાચા અર્થમાં ગુજરાતને પાણીદાર, નમૂનેદાર અને શક્તિશાળી રાજ્ય બનાવવાનું અભિયાન પુરવાર થઇ રહ્યું હોવાની શ્રદ્ધા રાજુભાઈ ધ્રુવે વ્યક્ત કરી છે.
ભાજપ અગ્રણીના નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રીના સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત, ૫,૦૦૦ જેસીબી, ૧૮ હજાર કરતા વધુ ટ્રક, ટ્રેક્ટર,ડમ્પરનો ઉપયોગ કરાયો હતો, કામગીરીના અમલમાં સરકારના પાંચ-પાંચ ખાતાના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓથી માંડીને નાનામાં નાના કર્મચારીઓ કામમાં જોતરાઈ ગયા હતા; ૩,૦૦૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓએ જે તે વિસ્તારોમાં કામગીરીની આગેવાની લીધી હતી અને સાડા ત્રણ લાખથી વધુ શ્રમિકોએ રાત-દિવસ જોયા વિના નદી-નાળાં, કૂવા-તળાવોની સફાઈ તેમજ ઊંડા ઉતારવાની કામગીરી કરી હતી. તે આ મહાઅભિયાનની સફળતા અને પ્રજાએ સરકારની નિષ્ઠા ઉપર મૂકેલા ભરોસાના પ્રમાણરૂપ હતી.
પાણીસંગ્રહની નેમ સાથે સેંકડો માનવદિન રોજગારી પણ પૂરી પાડવામાં આવી તે આ અભિયાનની વિશેષતા હતી. મા-ભોમ અને લોક્માતાઓને જળથી તૃપ્ત કરવાની જવાબદારી સરકારની સાથે રાજ્યભરની જનતાએ પણ સુપેરે ઉપાડી લીધી હતી. ગામેગામ નદીઓના ઓવારા સાફ કરવામાં આવ્યા અને શુધ્ધિકરણ કરાયું; ૧૩ હજાર જેટલા ચેકડેમો, તળાવો ઊંડાં કરવામાં આવ્યા તેથી જળસંકટ ટળી ગયું છે.
દુષ્કાળને દેશવટો આપવા ભાજપ સરકાર આવું જળસંચય અભિયાન આગામી ત્રણ વર્ષ સુધી દર ચોમાસા પહેલાં જરૂર જણાય તે દરેક સ્થળે લોક-સહયોગ સાથે હાથ ધરવાની છે.ગયા મે-જુન માસ દરમિયાન, આખા ગુજરાતમાં ૧૭,૫૦૦ જેટલાં જળસંચય કાર્યો સંપન્ન થયા હતાં.
આટલા મોટા ફલક પર રાજ્યભરમાં જળસંચયના કાર્યો એ ખુદ એક મોટી સિદ્ધિ છે; ફળસ્વરૂપે ગુજરાતમાં આ વખતનું ચોમાસું સાચા અર્થમાંસુજલામ સુફલામ બની રહેવાનું છે. એક અંદાજ મુજબ, ગુજરાતમાં આ ચોમાસે બે કરોડ ઘનમીટર વિસ્તારમાં ૨૦૦૦ કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે જે રાજ્યની સિકલ બદલવામાં સિંહફાળો આપશે, જેના યશના અધિકારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સમસ્તની પ્રજા છે. તેમ રાજુભાઈ ધ્રુવે નિવેદનના અંતમાં ઉમેર્યું છે.