ગઇકાલ શુક્રવાર સાંજથી વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે આવ્યા છે. આજે સવારે રેસકોર્સ-2 પાસે નવા બનાવાયેલા અટલ સરોવરમાં નવા નીર આવ્યા તેનું પૂજન કરી વૃક્ષારોપણ કર્યું હતું. અહી તેણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયતમા ચાલતો વિવાદ કોંગ્રેસનો આંતરિક ઝઘડો છે જે પરાકાષ્ઠાએ આવી ગયો છે. આમ પણ કોંગ્રેસમાં નેતાગીરીને લઇ વ્યાપક પ્રમાણમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુકત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં રેસકોર્ષ – 2 ખાતે વૃક્ષારોપણ અને અટલ સરોવરના નવા નીરની પૂજનવિધિ કરી હતી. રાજયમાં વિશાળમાત્રામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરાયું હતું તેજ રીતે ગુજરાતને ગ્રીન બનાવવા ઓગષ્ટ માસમાં પ્રજાજનોના વ્યાપક સહયોગ મેળવીને વૃક્ષારોપણનો ધનિષ્ઠ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
રેસકોર્સ-2 ખાતે 1111 વૃક્ષો રોપવામાં આવ્યા
રાજકોટમાં નવા રિંગરોડ પર રેસકોર્સ-2 ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને 1111 રોપાનું વાવેતર મનપા દ્વારા કરવામાં આવ્યું હતું. ગત વર્ષે વન વિભાગે ત્યા વનમહોત્સવની ઉજવણી કરી હતી તેનું પરિણામ શૂન્ય રહ્યું હતું ત્યારે હવે મનપા ત્યાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરશે. ઓગસ્ટ માસના પ્રારંભથી શહેરના ત્રણેય ઝોનમાં રોપા વિતરણ શરૂ થશે.