બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર માદરે વતન રાજકોટ આવતા વિજયભાઈ રૂપાણીનું એરપોર્ટ પર શહેર ભાજપ દ્વારા શાહી સન્માન કરાશે
બીએપીએસ અને યોગીધામ સ્વામીનારાયણ સંસ્થાઓ તથા રાજકોટ નાગરિક સમિતિ દ્વારા અભિવાદન સમારોહ યોજાશે
ગુજરાતમાં છઠ્ઠીવાર ભાજપની સરકાર રચાય છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે ૨૦ મંત્રીઓ સાથે શપથગ્રહણ કર્યા હતા. દરમિયાન નવનિયુકત મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવા માટે આજે સવારે મળનારી પ્રથમ કેબિનેટ બેઠક મુલ્તવી રાખવામાં આવી છે. જેના કારણે મંત્રીઓને ખાતાની ફાળવણી કરવાની મહત્વપૂર્ણ કામગીરી અટકી પડી છે. આજે હિફમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે જયરામ ઠાકુર શપથગ્રહણ કરવાના છે. આ સમારોહમાં સામેલ થવા માટે મુખ્યમંત્રી હિમાચલ પ્રદેશ જતા હોવાના કારણે પ્રથમ કેબિનેટ મુલ્તવી રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંત્રીમંડળના ૨૦ સભ્યો સાથે શપથગ્રહણ કર્યા બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે નવનિયુકત મંત્રીઓને ખાતાની ફાળવણી કરવા માટે બુધવારે સવારે ૧૦:૦૦ કલાકે પ્રથમ કેબિનેટ બેઠક મળશે. આજે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે જયરામ ઠાકુર શપથગ્રહણ કરવાના હોય તેમાં ભાજપ શાસિત તમામ રાજયોના મુખ્યમંત્રીઓ હાજર રહેવાના છે. આ સમારોહમાં સામેલ થવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સવારે હિમાચલ પ્રદેશ જવાના હોવાથી આજે મળનારી કેબિનેટની બેઠક મુલ્તવી રાખવામાં આવી છે. બીજી તરફ હવે પછી કેબિનેટની બેઠક કયારે મળશે તેની કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી ન હોય. નવનિયુકત મંત્રીઓને ખાતાની ફાળવણી કરવાની કામગીરી અટકી પડી છે.
વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગૃહવિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ, સામાન્ય વહિવટ વિભાગ સહિતના અનેક ખાતાઓ પોતાની પાસે રાખશે. જયારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને માર્ગ-મકાન અને આરોગ્ય વિભાગનો હવાલો સોંપવામાં આવી શકે છે.
ગત ટર્મમાં પડતા મુકાયેલા અને આ વખતે કેબિનેટમાં સમાવાયેલા સૌરભ પટેલને ફરી એક વખત નાણામંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના પણ સુત્રોએ વ્યકત કરી છે. જયારે કેબિનેટ મંત્રી આર.સી.ફળદુની કૃષિ અને ઉર્જા વિભાગનો હવાલો, ભુપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણ વિભાગનો હવાલો, ગણપત વસાવાને પર્યાવરણ અને વન વિભાગ, જયેશ રાદડિયાને વિતરણ અને પર્યટન વિભાગ, દિલીપ ઠાકોરને શ્રમ અને રોજગાર મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.
રાજયકક્ષા મંત્રી પરબતભાઈ પટેલને પંચાયત અને આરોગ્યમંત્રી, રમણ પાટકરને આદિજાતી વિકાસ વિભાગનો હવાલો, પરસોતમ સોલંકીને મત્સ્યોધર મંત્રી, વાસણભાઇ આહિરને વાહન વ્યવહાર વિભાગ, બચુભાઈ ખાબડને પશુપાલન મંત્રી, કિશોરભાઈ કાનાણીકુમારને રમત-ગમત અને ઉધોગ મંત્રી, પ્રદિપસિંહ જાડેજાને ગૃહવિભાગ, જયદ્રથસિંહ જાડેજાને ઉચ્ચ શિક્ષણ વિભાગ, ઈશ્ર્વરભાઈ પટેલને સહકાર સાંસ્કૃતિક કલ્યાણ વિભાગનો હવાલો જયારે વિભાવરીબેન દવેને મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવવામાં આવી શકે છે. આજે મળનારી કેબિનેટની પ્રથમ બેઠક મુલ્તવી રાખવામાં આવી છે અને હવે પછી કયારે બેઠક મળશે તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.