ગોમટા ગામનું પાટી તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીનું સીધું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી ખેડૂતો અને શ્રમિકોએ કાયમી જળસંગ્રહ નિધિ ઉભી કરવા કર્યું વિધેયાત્મક સૂચન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે વિડીઓ કોન્ફરન્સિંગ મારફત ગોંડલ તાલુકાના ગોમટા ગામના ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને સુજલામ્ સુફલામ્ જળ અભિયાન પરત્વે તેમના પ્રતિભાવો જાણ્યા હતા. ગામટા ગામની સીમમાં આવેલું પાટી તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીનું પણ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. ગ્રામજનોએ મુખ્યમંત્રીને આ અભિયાન ચલાવવા બદલ અભિનંદન પાઠવી વિધેયાત્મક પ્રતિભાવો આપ્યા હતા.
ગોમટા ગામની સીમમાં આવેલું પાટી તળાવ અરધી સદી જૂનું છે અને તત્સમયે પડેલા દુષ્કાળમાં રાહતકાર્ય અંતર્ગત બનાવવામાં આવેલું છે. ચોમાસ દરમિયાન પાણી ભરાઇ ત્યારે પાટી તળાવ આસપાસ નયનરમ્ય નજારો બને છે. તે ઉપરાંત આસપાસના ગામો, ખેડૂતો અને ગામના બોરવેલને ફાયદો થાય છે. પરંતુ, છેલ્લા કેટલાક ચોમાસાથી સતત ભરાતા કાંપને કારણે તેની સંગ્રહ શક્તિ ઘટી જવા પામી હતી. એ દરમિયાન, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હેઠળ ગોંડલ માર્કેટિંગ યાર્ડે તેની આગેવાની લીધી અને આ પાટી તળાવને ઉંડું ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ કાંપ ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવે છે. આજે ત્યાં તળાવ ખાતે ઉભા કરવામાં આવેલા સમિયાણામાં ગ્રામજનો એકત્ર થયા હતા અને મુખ્યમંત્રી સાથે સંવાદ કરવા માટે તેમનામાં ઉત્સાહ વર્તાતો હતો. અન્ય જિલ્લાઓ સાથે, મુખ્યમંત્રી રૂપાણીએ સર્વ પ્રથમ ગોમટા ગામના લોકો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ જિલ્લામાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત ચાલતા કામોની સ્થિતિની પૃચ્છા કરી હતી. કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ માહિતી આપી કે રાજકોટ જિલ્લામાં ૧૦૦ વધુ કામો પૂર્ણ થઇ ગયા છે અને ૪૦૦થી વધુ કામો ચાલે છે.
એ બાદ ગોમટાના સરપંચ જસાભાઇ ઝાપડાએ મુખ્યમંત્રીને આ યોજના લાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગામના એક યુવાન ખેડૂત યોગેશભાઇ ક્યાડાએ મુખ્યમંત્રી સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું કે અમારા ગામનું પાટી તળાવ ઉંડું ઉતરતા પાણીનો સંગ્રહ થશે. વધુ પાણી રોકાતા જમીનના તળ ઉંચા આવશે અને પાણીની ગુણવત્તામાં સુધારો થશે.
ખેતીમાં કાંપની માટી નાખવામાં આવતા ફળદ્રપતા વધશે. પાકને કુદરતી પોષળ મળતું થશે. તેમણે આ અભિયાનમાં જે લોકો આર્થિક અનુદાન આપવા ઇચ્છતા હોય તેમના માટે કાયમી જળસંગ્રહ નિધિ ઉભી કરવા સૂચન કર્યું હતું. જેમનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. અન્ય એક ગ્રામજન કાજલબેન કાથરોટિયાએ પણ મુખ્યમંત્રી અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.
ગોંડલ યાર્ડના ચેરમેન જયંતિભાઇ ઢોલે મુખ્યમંત્રીને વિગતો આપી કે રૂ. ૧.૬૬ કરોડનો ખર્ચ યાર્ડ દ્વારા સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત કરવામાં આવી રહ્યો છે. ગોંડલ તાલુકાના તમામ ૭૭ ગામોમાં કામો કરવામાં આવી રહ્યા છે. આ વેળાએ સુલતાનપુરના સરપંચ દામજીભાઇ ગોંડલિયા, રાણસીકીના સરપંચના સરપંચ ઘનશ્યામભાઇ કાછડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ડી. કે. વોરા, ડીડીઓ અનિલ રાણાવસીયા, પ્રાંત અધિકારી રાયજાદા ઉપસ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com