રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં વ્યકત કર્યો વિજય વિશ્વાસ
શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ પણ રહ્યા ઉપસ્થિત
ગુજરાતની સાડા છ કરોડની જનતાના માનસ પટ પર કોમન મેનની અદ્વિતીય છાપ ઉભી કરનાર રાજયના લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સોમવારે સૌરાષ્ટ્રના અડિખમ અખબાર એવા ‘અબતક’ના અનમોલ અતિથિ બન્યા હતા. ૬૯-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ અબતકની શુભેચ્છા મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. હાલ રાજયમાં ચાલી રહેલા અલગ-અલગ મુદાઓ પર તેઓએ અબતકના મેનેજીંગ એડિટર સતિષકુમાર એસ.મહેતા સાથે જીણવટભરી છણાવટ કરી હતી.
રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સોમવારે બપોરે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અબતકની મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. અબતકના આંગણે તેઓનું કુમકુમ તિલક કરી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. અબતક સ્ટાફ પરિવારોએ તેઓ પર પુષ્પવર્ષા કરી વિજય ભવના ગગનભેદી નાદથી વાતાવરણને ગુંજવી દીધું હતું. અબતકના આંગણે થયેલા રજવાડી સ્વાગતથી એક તબકકે ખૂદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ગદગદીત થઈ ગયા હતા. તેઓએ શુભેચ્છા મુલાકાત દરમિયાન અબતકના મેનેજીંગ એડિટર સતિષકુમાર એસ.મહેતા સાથે હાલ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચાલી રહેલા વિવિધ મુદાઓ જેવા કે પાટીદાર અનામત આંદોલન, કોંગ્રેસ, પાસ અને ઓબીસી વચ્ચેનું ભેદી ગઠબંધન જેવા મુદાઓ અંગે વિશેષ છણાવટ કરી હતી. સાથોસાથ એવો પણ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો કે છેલ્લા ૨૨ વર્ષથી રાજયમાં ભાજપછે અને વિકાસની રાજનીતિ અખત્યાર કરી રહ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે નકકી કરેલા ૧૫૦ થી વધુ બેઠકોના લક્ષ્યાંક સાથે જીત હાંસલ કરશે અને આગામી પ વર્ષમાં વિકાસ માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીદેશે અને ગુજરાતને વિકાસની ચરમસીમાએ પહોંચાડશે. હાલ ગુજરાત માટે ગોલ્ડન પિરીયડ ચાલી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. સાથોસાથ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે યુપીએની સરકારે ૧૦ વર્ષ સુધી ગુજરાતને ખુબ જ અન્યાય કર્યો હતો પરંતુ હાલ કેન્દ્રમાં ગુજરાતનું હિત જોતી મોદી સરકાર બેઠી છે. આવામાં ગુજરાત માટે મોસાળે જમણ અને મા પીરસનાર જેવો માહોલ સર્જાયો છે. રાજયના પ્રથમ નાગરિક અર્થાત મુખ્યમંત્રીના હોદા પર હોવા છતાં વિજયભાઈ તમામ લોકો સાથે કોમન મેન જેમ જ વર્તે છે. આ વાત વધુ એક વખત ‘અબતક’ના આંગણે તેઓની મુલાકાત દરમિયાન પુરવાર થઈ ગઈ હતી. અબતકની મુલાકાત દરમિયાન તેઓએ સ્ટાફ પરિવારના તમામ સભ્યો સાથે હોંશભેર ફોટા પડાવ્યા હતા. અબતકના સ્ટાફે પણ તેઓને વિધાનસભાની આગામી ચૂંટણીમાં ઐતિહાસિક જીત થાય તેવી શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રી અબતક મીડિયા હાઉસની મુલાકાત વેળાએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ અને ભાજપના પ્રદેશ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ પણ ઉપસ્થિત રહ્યા હતા.