ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિખ્યાત અંબાજી માતાજીના મંદિરની મુલાકાત લઈ દર્શન કર્યા હતા અને સાડા છ કરોડ ગુજરાતીઓના સુખ, સમૃધ્ધી તથા સલામતીની પ્રાર્થના કરી હતી. તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી પણ સાથે જોડાયા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ સજોડે માં અંબાના ચરણોમાં શિશ નમાવ્યું હતું અને ભાવવિભોર થઈ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. ભક્તિભાવપૂર્વક દર્શન કરીને મુખ્યમંત્રી રૂપાણી અને અંજલીબેન ધન્ય થયા હતા.
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તે માટે ભાવપૂર્ણ પ્રાર્થના: અંજલીબેન પણ જોડાયા
શનિવારે વહેલી સવારે સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ અને સલામતી માટે રૂપાણી દંપતીની ખાસ પ્રાર્થના
શનિવારની વહેલી સવારે મુખ્યમંત્રી રૂપાણીએ સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી પહોંચી જઈ આદ્યશક્તિ માં અંબાના દર્શન કર્યા હતા અને આસ્થા સાથે પૂજા-અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર પર સફળતા મળ્યા બાદ જનહિતના વધુને વધુ કામો કરવાની માતાજી શક્તિ આપે તેમજ ગુજરાત સતત વિકાસના પથ પર આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીની કૃપા અને આશિષ સદાય વરસતા રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને મહત્તમ વેક્સિનેશનથી કોરોનાની ત્રીજી લહેર અટકાવી શકાશે અને કોરોના ચોક્કસ હારશે. ‘જીતશે ગુજરાત’ એ મંત્રને સૌ સાથે મળી ચરિતાર્થ કરી શકીશું.
મુખ્યમંત્રીની મુલાકાત સમયે ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, આસી. કલેકટર પ્રશાંત જીલોવા, અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જી.ચાવડા અને અન્ય આગેવાનો, અધિકારીઓ તથા માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.