આજી જીઆઈડીસી અને બ્રહ્મ ભોજન કાર્યક્રમમાં પણ હાજરી આપશે
રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૩૦ને ગુરુવારના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે તેઓ રાજકોટની મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપવાની સાથે સાથે આજી જીઆઈડીસી ખાતે યોજનાર કાર્યક્રમમાં પણ હાજર રહેશે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુરુવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ મહાપાલિકા આયોજીત સેવા સેતુ કાર્યક્રમમાં ખાસ હાજર રહેશે અને લોકોને સેવા સેતુ અંતર્ગત મળી રહેલા સરકારી યોજનાના સીધા જ લાભોની જુદી-જુદી યોજનાઓની સમીક્ષા પણ કરશે. વધુમાં તેઓ મહાનગરપાલિકા દ્વારા આજી જીઆઈડીસીમાં પેવીંગ બ્લોક સહિતની નવી સુવિધાનું પણ લોકાર્પણ કરનાર હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.
વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મહાપાલિકાના બંને કાર્યક્રમો બાદ અત્રેના સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજીત બ્રહ્મ ભોજન કાર્યક્રમમાં પણ વિશેષ હાજરી આપનાર હોવાનું સતાવાર સુત્રો જણાવી રહ્યા છે. મુખ્યમંત્રીની રાજકોટ મુલાકાતને લઈ જિલ્લા કલેકટર તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
૧લી સપ્ટેમ્બરે પ્રભારી મંત્રીના હસ્તે ‘ગોરસ’ લોકમેળાનું ઉદ્ઘાટન
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે લોકમેળો સાંજે ૪ વાગ્યાને બદલે સવારે ૧૦ કલાકે ખુલ્લો મુકાશે
લોકમેળા સમિતિ રાજકોટ આયોજીત ગોરસ લોકમેળાનું આગામી તારીખ ૧લી સપ્ટેમ્બરના રોજ જિલ્લાના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે સવારે ૧૦:૦૦ કલાકે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે ઉદઘાટન કરી લોકમેળાને ખુલ્લો મુકવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ લોકમેળા સમિતિ રાજકોટ આયોજીત શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાતા પરંપરાગત ગોરસ લોકમેળાને અગાઉ બપોર બાદ ખુલ્લો મુકવામાં આવતો હતો પરંતુ આ વર્ષે સવારે ૧૦ કલાકે જિલ્લાના પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.
વધુમાં લોકમેળાના ઉદઘાટન પ્રસંગે શહેરની જુદી-જુદી શાળાઓના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. લોકમેળા સમિતિ દ્વારા શહેરીજનોને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.