માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ, બે સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી: સાંસદ મોહનભાઈ કુંડારીયાના જન સુવિધા કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે એક દિવસ માટે માદરે વતન રાજકોટની મુલાકાત પર છે. તેઓએ બપોર સુધી રાજકોટમાં રોકાણ કર્યું હતું. અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
રાજકોટના ૧૭માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની તિલકવિધિમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.
સવારે રાજકોટ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આગમન થયું હતું. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના વી.પી.વૈષ્ણવના માતુશ્રીનું તાજેતરમાં નિધન થયું છે. મુખ્યમંત્રીએ આજે વી.પી.વૈષ્ણવના ઘેર જઈ તેઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સરગમ કલબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળાના ભાઈ અને શ્રીજી ગૌશાળાના ટ્રસ્ટી ડાયાભાઈ ડેલાવાળાનું નિધન થતાં આજે રાષ્ટ્રીય શાળા ખાતે ર્પ્રાનાસભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીએ ડેલાવાળા પરિવારને સાંત્વના પાઠવી હતી. સવારે ૯:૫૦ કલાકે મુખ્યમંત્રીએ ૧૫૦ ફૂટ રીંગ રોડ સ્થિત દ્વારીકા હાઈટ્સ સામે પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ નાણાવટી ચોકમાં જીવંતિકા નગરમાં ગાંધીગ્રામમાં સતવારા સમાજની વાડી સામે યોજાયેલા રાજપુત સમાજના સમૂહ લગ્નમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા.
રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા ૧૫૦ ફૂટ રીંગ રોડ રૈયા ટેલીફોન એક્ષચેન્જ સામે એમેઝોન બિલ્ડીંગ ખાતે જન સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ જન સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટના ૧૭માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનો આજે રાજ્યાભિષેક થઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ સવારે ૧૧:૫૦ કલાકે રણજીત વિલાસ પેલેસ ખાતે રાજવી પરિવાર આયોજીત રાજતિલક સમારોહમાં પણ હાજરી આપી હતી.
આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના પરિવારમાં લગ્ન પ્રસંગ, કોર્પોરેટર રાજુભાઈ અઘેરાના દિકરીના લગ્ન પ્રસંગમાં તથા પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના પુત્રના લગ્ન પ્રસંગમાં પણ મુખ્યમંત્રી હાજર રહ્યાં હતા. બપોરે ૨ કલાકે તેઓ રાજકોટી ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા હતા.