• મેયર ડો.પ્રદિપ ડવના આમંત્રણનો કર્યો સહર્ષ સ્વીકાર
  • કોર્પોરેશનના 49 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોઇ સીએમ કચેરીએ આવશે: પદાધિકારીઓ, અધિકારીઓ, સંગઠનના હોદ્ેદારો અને યુનિયનના હોદ્ેદારો દ્વારા કરાશે શાહી સ્વાગત: તડામાર તૈયારીઓ

રાજકોટ મહાનગરપાલિકાના 49 વર્ષના ઇતિહાસમાં આવતીકાલે એક ઐતિહાસિક ઘડીનું નિર્માણ થશે. રાજ્યના કોઇ સીએમ પ્રથમવાર કોર્પોરેશન કચેરીના મોંઘેરા મહેમાન બનશે. કલેક્ટર કચેરીની જગ્યાએ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં વિકાસકામોની સમીક્ષા બેઠક યોજવા માટે મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા આપવામાં આવેલા આમંત્રણનો ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો છે. આવતીકાલે મુખ્યમંત્રી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે દોઢ કલાકના મહેમાન બનશે. તેઓની અધ્યક્ષતામાં ઝોન વાઇઝ બેઠક યોજવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અલગ-અલગ કાર્યક્રમોમાં સામેલ થવા માટે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. કોઇ મુખ્યમંત્રી કાલે પ્રથમવાર કોર્પોરેશન કચેરીના મોંઘેરા મહેમાન બનશે. સવારે 11.40 કલાકે મુખ્યમંત્રીનું કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આગમન થશે. જ્યાં તેઓનું કુમકુમ તીલક દ્વારા સ્વાગત કરવામાં આવશે.

કોર્પોરેશનના પદાધિકારીઓ, શહેર ભાજપના સંગઠનના હોદ્ેદારો,  યુનિયનના નેતાઓ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવશે. પોલીસ બેન્ડની સુરાવલી અને તરણેતરની છત્રી આપી સીએમને આવકારવામાં આવશે. તેઓના હસ્તે 31 મિનિ ટીપરવાન અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઉપયોગ માટે લેવામાં આવેલા બે બંધ બોડીના ટ્રકનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી મેયર ચેમ્બરમાં પધારશે. જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવશે.

શાસક વિંગથી વહીવટી વિંગ સુધીમાં કોર્પોરેટરો, સમિતિના ચેરમેનો અને શાખા અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી પર પુષ્પવર્ષા કરવામાં આવશે. ત્યારબાદ તેઓનું કમિશનર ચેમ્બરમાં પણ સ્વાગત કરવામાં આવશે. મુખ્યમંત્રી સૌપ્રથમ ઇસ્ટ ઝોન ત્યારબાદ વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં ચાલતા વિકાસકામોની સમીક્ષા કરશે. જેમાં પદાધિકારીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, શહેર ભાજપના સંગઠનના હોદ્ેદારો અને વોર્ડના હોદ્ેદારો ઉપસ્થિત રહેશે. પ્રથમવાર કોર્પોરેશનના આંગણે આવી રહેલા મુખ્યમંત્રીને હોંશભેર વધાવવા માટે કોર્પોરેશનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચેરીમાં યુદ્વના ધોરણે રંગ રોગાન સહિતની કામગીરી ચાલી રહી છે. ગ્રાઉન્ડમાં સ્ટેજ પણ બનાવવામાં આવી રહ્યા છે.

  • જાહેર જનતા માટે કનક રોડ સાઇટનો દરવાજો ખૂલ્લો રહેશે
  • એસટી બસ સ્ટેશનમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ મહાનગરપાલિકા ખાતે સવારે 11:40 કલાકે મુલાકાતે આવતા હોવાથી જાહેર જનતા માટે મહાપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરીનો ગેઈટ નં.-1 અને ગેઈટ નં.-2 બંધ રાખવામાં આવશે. તમામ સેવાઓ ચાલુ હોવાથી શહેરીજનો માટે ગેઇન નં. 3 (કનક રોડ સાઈડનો ગેઈટ) ખુલ્લો રાખવામાં આવશે. આવતીકાલના કાર્યક્રમને અનુસંધાને જાહેર જનતા અને પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ માટે વાહન પાર્ક કરવા માટે એસ.ટી.બસ સ્ટેન્ડના પાર્કિંગમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.